સુરત : હીરાને તૈયાર કરવા માટે જ્ઞાન, બુધ્ધિમતા, એકાગ્રતા,ધીરજ અને ખંતથી કાર્ય કરવાની જરૂરીયાત હોય છે. હીરાને તૈયાર કરવામાં પ્રાથમિક પરંતુ મહત્વનું કાર્ય એસોર્ટિંગનું હોય છે. હીરાને તેના રંગ, આકાર, સાઇઝ, ગુણવત્તાના આધારે અલગ તારવવા અને પછી તરાસવા પર જ કારોબારમાં નફા-નુકશાનનો આધાર રહેતો હોય છે. અત્યંત કાળજી પુર્વક કરવામાં આવતા હીરાના પેકેટનું એસોર્ટિંગનું કામ જોખમી અને ઘણી વખત કંટાળા જનક બની જતુ હોય છે. પરિણામે આ ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓની હંમેશા તંગી રહેતી હોય છે.

એક કહેવત છે કે ‘નેસેસિટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’, અર્થાત કે જરૂરીયાત નવા શોધ-સંશોધનની જનની છે. હીરાના પેકેટ એસોર્ટિંગ કાર્યમાં પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાઓના નિવારણ માટે સુરતના બે તરવરિયા યુવાનોએ રસ્તો શોધી કાઢ્યો છે. દોઢ વર્ષની સખત મહેનત પછી ઈન હાઊસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ થકી કુલદીપ ડાભી અને ભદ્રેશ ગોધાણી ને હીરા પેકેટ એસોર્ટિંગ માટે રોબોટ બનાવી ઝળહળતી સફળતા મળી છે. AI બેઈઝડ ઓટોમેટીક રોબોટ મશીને હીરાના પેકેટ એસોર્ટિંગ કાર્યની સમગ્ર પ્રક્રિયાને અત્યંત સરળ કરી દેવા સાથે હીરા કારખાનેદારોની ઘણી મુશ્કેલીઓનો અંત આણી દીધો છે.

હીરા ઉદ્યોગને ક્રાંતિકારી અને અનુપમ ભેટ આપવા સંકલ્પબધ્ધ યુવાન કુલદીપ ડાભીનો સમગ્ર પરિવાર હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ છે. કુલદીપે એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2 વર્ષ સુધી હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ઈઝરાયેલ સ્થિત એક અગ્રણી ટેકનોલોજી કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરી પાયાનો અનુભવ મેળવ્યો. ત્યારબાદ હીરા ઉદ્યોગમાં પોતાનું કંઈક યોગદાન આપવાના મજબુત ઇરાદા સાથે અન્ય એક નવયુવાન એન્જીનીયર ભદ્રેશ ગોધાણી સાથે AUTOBOT નામની એક ઓટોમેશન ફર્મની સ્થાપના કરી.

માર્કેટ રિસર્ચ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે, 4P અને પોલિશ્ડ સિંગલ પેકેટ ડાયમંડના એસોર્ટમાં કારોબારીઓને ઘણી જ મુશ્કેલી આવી રહી છે. આ સમસ્યાને નિવારવા આ યુવાઓ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. ટેકનોલોજી હંમેશા ડેટાબેઝ હોય છે. જેવું ફીડ કરો એવું રિઝલ્ટ મળે એમ હોવાથી ખૂબ કાળજી પૂર્વક ડેટા એકત્રિકરણ બાદ AI બેઈઝડ ક્રાંતિકારી ઓટો એસોર્ટ રોબોટની શોધ કરવામાં આવી છે.
ઓટો એસોર્ટ રોબોટની ક્ષમતા 12 કલાકમાં 5000 હીરા પેકેટ એસોર્ટ કરવાની છે.ઓટો એસોર્ટ રોબોટમાં એક સાથે 250 ડાયમંડ પેકટ લોડ કર્યા બાદ ઓટોમેટીક QR કોડ સ્કેનની મદદથી તેને એસોર્ટ કરી શકાય છે. આ રોબોટ મશીનની મદદથી લેસર સોઈંગમાં મોકલતા પહેલા ડાયમંડ પેકેટને ટોપ વાઈઝ એસોર્ટ કરી શકાય છે.4P અને પોલિશ્ડ માટે જુદીજુદી સાઈઝ, પ્યોરીટી, વજન તેમજ બીજા ઘણા પેરામીટર મુજબ હીરાના પેકેટને એસોર્ટ કરી શકાય છે. વળી 4 થી 5 રોબોટ મશીન માત્ર એક વ્યક્તિ આસાનીથી ચલાવી શકે છે.

હીરાઉધોગમાં પેકેટ એસોર્ટનું કામ અત્યાર સુધી મેન્યુઅલ રીતે થતું હતું. ત્યાં હવે એક નવા ઓંટોમેશનની શરૂઆત થઈ ચુકી છે. હાલમાં આ રોબોટ રમેશભાઈ માંગુકિયા (માંગુકિયા એમ્પાયર), સંજયભાઈ વઘાસીયા (મારુતિ ડીઆમ), મનીષભાઈ જીવાણી (શ્રી ક્રિષ્ના ડીઆમ), મનોજભાઈ બોરડા (અંજલી ડીઆમ), મહેશભાઈ માંગુકીયા (મારુતિ જેમ્સ ) તેમજ અન્ય હીરાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યાં છે.
AI બેઈઝડ ક્રાંતિકારી ઓટોમેટીક મશીનના આવિષ્કાર અને તેની કામકરવાની પધ્ધતિ અંગે શોધકર્તા કુલદીપ ડાભી અને ભદ્રેશ ગોધાણી એ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે AI બેઈઝડ આ ક્રાંતિકારી ઓટોમેટીક રોબોટ હાર્ડવેર અને સોફ્ટવેરના સંકલનથી કાર્ય કરે છે. એક વખત રોબોટના પેકેટ હોલ્ડરમાં અંદાજે 250 પેકેટ લોડ કર્યા બાદ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાથી રોબોટ વેક્યુમથી પેકેટ ઉપાડે છે અને સાથે સાથે QR સ્કેન કરીને પેકેટને અલગ અલગ પેરામીટર જેવા કે સાઈઝ, પ્યોરીટી, ડાયામીટર, કલર તથા અન્ય પેરામીટર મુજબ એક અથવા તો વધારે પેરામીટરના કોમ્બીનેશન મુજબ પેકેટનું એસોર્ટ કરી આપે છે. આ રોબોટ ને ચલાવવો અત્યંત આસાન છે. હીરા અંગે લેશ માત્ર પણ નોલેજ નહી ધરાવતા સામાન્ય વ્યક્તિ પણ માત્ર 15 થી 20 મિનિટની ટ્રેનિંગમાં આ મશીન આસાનાથી ઓપરેટ કરી શકે છે.