ચોર કે લૂંટારૂ ઘૂસે ત્યારે ભલભલાને પરસેવો છૂટી જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બદમાશોનો સામનો ટાળી માલમત્તા લઇ જવા આજીજી કરાતી હોવાનું બહાર આવે છે. જો કે આનાથી તદ્દન ઉલટી ઘટના બિહારના કૃષ્ણબ્રહ્મ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી છે. અહીં રહેતા અઢી ફૂટના યુગલે અસાધરણ હિંમત બતાવી છે. તેઓ દ્વારા પાંચ ફૂટના ચોરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચોરને કસ્ટડીમાં લીધો અને FIR દાખલ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણબ્રહ્મ પોલીસ સ્ટેશન વિસ્તારના નુઆં ગામના રહેવાસી અઢી ફૂટના રણજિત પાસવાન અને એટલી જ ઊંચાઈની તેમની પત્ની તેમના ઘરમાં સૂતા હતા. રવિવારે રાત્રે તેના ઘરની દિવાલ પર ચઢીને અનેક ચોર ઘરમાં ઘૂસ્યા હતા. અંધારાનો લાભ લઈને ચોરો રૂમમાં ઘૂસી ગયા હતા અને કબાટ ખોલીને તેમાંથી સામાન કાઢવા લાગ્યા હતા. આ દરમિયાન રણજિત પાસવાન જાગી ગયો અને દોડીને પાછળથી એક ચોરને પકડી લીધો. ચોરે ભારે ધમપછાડા કર્યા પરંતુ રણજિત જાણે લોહચૂંબકની જેમ તેને ચોંટી રહ્યો અને સાથે મદદ માટે પોકાર પણ કરવા લાગ્યો હતો.
આ હંગામા બાદ તેની પત્ની પણ જાગી ગઈ હતી અને તે પણ ચિસો પાડવા લાગી હતી. જેના પર આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ચોરને પકડી લીધો હતો. આ સાથે જ પોલીસને જાણ કરી હતી. કૃષ્ણબ્રહ્મા પોલીસ સ્ટેશનના SI સંતોષ કુમારે કહ્યું કે, ચોરની ઓળખ તુડીગંજના રહેવાસી ભગવાન બિંદના પુત્ર ધોંધા બિંદ તરીકે કરવામાં આવી છે. ચોરે પોલીસને કહ્યું કે, તેના અન્ય સાથીઓ પણ છે, જેઓ જ્યારે હું પકડાયો ત્યારે ભાગી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. દરેક લોકો આ કપલની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.