અમદાવાદ : કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હરખભેર જગન્નાથજી ભક્તોને દર્શન આપવા 1 જુલાઇએ નીકળવાના છે પરંતુ રથયાત્રા પહેલા મુખ્યમંત્રી દ્વારા કરાતી પહિંદ વિધિ આ વર્ષે કરશે કોણ તે એક સવાલ ઉભો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમીત થતાં આ પ્રશ્ન ઉભો થયો છે. વર્ષોથી એવી પરંપરા છે કે સીએમ જ પહિંદવિધિ કરે પરંતુ જો તેઓ કોરોના નેગેટીવ ન આવ્યા તો આ પ્રોટોકોલ પણ તૂટી શકે છે. ભૂપેન્દ્ર પટેલને પહેલીવખત જ પહિંદવિધિ કરવાનો અવસર મળ્યો છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાના હળવા લક્ષણો જણાતા ઘરમાં જ કોરોન્ટાઇન થયા છે. રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તો બીજી તરફ કેબિનેટ બેઠક સહિત અન્ય કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. આવામાં મહત્વનો સવાલ એ પણ છે કે જો સીએમ ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ નેગેટીવ ન આવે તો પહિંદ વિધિ કરશે કોણ ?
રાજકીય જ નહી ધાર્મિક રીતે પણ અતિ મહત્વની ગુણાતીત આ વિધિને લઈ હજી સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી કે જાહેરાત પણ કરાઈ નથી. સીએમ ગેરગહાજરીમાં પહિંદવિધિ કોણ કરશે એ અંગે સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે એવું કહેવાય રહ્યું છે.
શું હોય છેપહિંદ વિધિ? જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલાપહિંદ વિધિકરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથીપહિંદ વિધિકરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિનેપહિંદ વિધિતરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.