હું 10 વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો, તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કર્યો છે કહી 7 દિવસ સુધી સ્કૂલથી ઘર સુધી એક શિક્ષિકા નો પીછો કરી હેરાન કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી વિરુદ્ધ રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શિક્ષિકાથી અડધાથી પણ ઓછી ઉંમરના વિકૃત માનસ ધરાવતાં એ લવરમૂછિયાએ શાળાના વોચમેન પાસે જઇ મારે મેડમ ને મળવું છે અને એમને મારી નાખવા છે એવી ધમકી પણ આપી હતી. આટલો ગંભીર મામલો છતાં પોલીસે કાર્યવાહીની જગ્યાએ સમાધાન કરાવી ફરજ પુરી કર્યાનો સંતોષ માણ્યો હતો. જો કે પાછળથી વિવાદ થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવી પડી હતી.
મળતી માહિતી અનુસાર, કામરેજમાં રહેતી અને રાંદેરની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 41 વર્ષીય શિક્ષિકા પર 21મી જૂને એક કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે હું યશ જીતેન્દ્ર વેગડા બોલું છું, હું આજથી 10 વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો, તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કર્યો છે, આવી રીતે શિક્ષિકા પર 22મી જૂનથી 29મી જૂન સુધી કોલ આવ્યા હતા. એટલું જ નહી કોલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ વેગડા સ્કૂલ છુટવાના સમયે શિક્ષિકાની પાછળ ઘર સુધી જતો હતો.

ગત 29મી તારીખે યશ અચાનક શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો. જે બાબતે શિક્ષિકા એ યશન પરિવાર ને જાણ કરી હતી. વાત બગડે એ પહેલાં જ યશના દાદાએ સ્કૂલ પર આવી શિકા ને જ નહીવપન શાળા ને પણ લેખિતમાં બાંહેધરી આપતા સમાધાન થયું હતું. સમાધાન થયા પછી પણ યશ સુધરતો ન હતો. 16મી જુલાઇએ યશ વેગડા સ્કૂલ પર આવી વોચમેનને કહ્યું કે મારે મેડમને મળવું છે. વોચમેને પૂછ્યા કહ્યું કે મારે મેડમને જાનથી મારી નાખવા છે. એમ કહી ભાગી ગયો હતો. જેને લઈ વોચમેને તાત્કાલિક આ વાત શાળા ના અન્ય સ્ટાફ ને કરી હતી. તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા.

ધમકી આપ્યાના બીજા દિવસે યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો અને સોશિયલ મીડિયામાં શિક્ષિકા અને તેની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો બતાવી બાજુમાં કોણ ઊભેલો છે એવુ પૂછી તેમની સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી.18મી જુલાઇ યશ વેગડા પાછો સ્કૂલ પર શિક્ષિકાને મળવા આવ્યો હતો. જેથી ડર ના માર્યા શિક્ષિકાએ આખરે રાંદેર પોલીસમાં જઇ સમગ્ર હકીકત જણાવી હતી. તાજેતરમાં આવા જ સાયકોલવરે ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાંખ્યાનો બનાવ બન્યો હોવા છતાં પોલીસે આ મામલે પુરી ગંભીરતાંથી લીધો ન હતો. બંને પક્ષોને બોલાવી સમાધાન કરાવી દીધું હતું. જો કે પોલીસના આ સમાધાનકારી વલણ અંગે વિવાદ થયો હતો. આખરે પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી. પોલીસે શિક્ષિકાની ફરિયાદના આધારે યશ ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.