જેને અગ્નિદાહ આપી પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા એ જ દિકરો થોડા સમય બાદ આવી પહોંચતાં હરકોઇ સ્તબ્ધ થઇ ગયા હતાં. આ આશ્ચર્ય અને આઘાતજનક ઘટના વડોદરામાં ઘટી હતી. થોડા કલાક પહેલા જ જેના અંતિમસંસ્કાર કરાયા હતા પુત્રને જીવતો જોઈને ડૂસકાં ભરતા પરિવારની આંખો પહોળી થઈ ગઈ હતી.
વાત એમ છે કે ગઈ 16મી જૂનના રોજ વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર છાણી પોલીસને અંદાજે 45 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જેની તસવીરો પોલીસ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. દરમિયાન વાઘોડિયા સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈએ પોલીસમાં આવીને લાશ પોતાના પુત્ર સંજયની હોવાનું કહ્યું હતું. દીકરાની લાશ જોતાં જ પિતા ભાંગી પડ્યા હતા. ઘરે મૃતદેહ આવતાં જ પત્ની અને સંતાનોના કરુણ આક્રંદથી ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. અનેક સંબંધીઓની હાજરીમાં ભારે હૈયે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખાગ્નિ આપીને પરિવાર ઘરે આવ્યો હતો. ગમગીની અને ગુમસુમીનો માહોલ હતો. બરોબર આ જ સમયે જેના અંતિમસંસ્કાર કરાયા હતા એ સંજય હાજર થયો. પરિવાર થોડીવાર તો કંઈ સમજી નહોતો શક્યો. કોઈ માનવા તૈયાર નહોતું કે સંજય જીવતો પાછો આવ્યો છે. જોકે બાદમાં સ્થિતિ સમજાતાં પરિવારમાં હરખ છવાઈ ગયો હતો. સાથે જ એ પ્રશ્ન પણ ઉભો થયો કે સંજય જીવીત છે તો જેના અંતિમ સંસ્કાર કરાયા એ યુવક કોણ હતો…?

છાણી પોલીસ સ્ટેશનના PSI કેએચ અંબારિયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નજીક દુમાડ ચોકડી પાસે યુવકનો મૃતદેહ મળ્યો હતો. FSLની હાજરીમાં બૉડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બૉડીનો ફોટો જોઈ એક વૃદ્ધ (શનાભાઈ) આવ્યા હતા. શનાભાઈ લાશનો ચહેરો જોઈને જ રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ મારો છોકરો છે. ટ્રક- ટેમ્પો ચલાવતો અને હોટલ- ઢાબા પર સૂઈ રહેતો, જેથી અમે તેમને સરખી રીતે ખરાઈ કરવા PM રૂમ પર મોકલ્યા. શનાભાઈએ PM રૂમમાં પણ લાશને ઓળખી બતાવી અને પોતાના દીકરાની હોવાનું જણાવ્યું હતું. અમે ID પ્રૂફ માગતાં શનાભાઈએ નામ-સરનામાવાળું નવું ચૂંટણી સ્માર્ટકાર્ડ રજૂ કર્યું, બીજે દિવસે 17 તારીખે સવારે તેમનાં 10-15 સગાં આવ્યાં, જેમાં મૃતકનો દીકરો પણ હતો. તેણે પણ પોતાના પિતાનો જ મૃતદેહ હોવાનું કહ્યું સગાંની ખરાઈ બાદ લાશનું PM થયું, જેમાં વિશેરા સહિતની વિગતો લેવામાં આવી. બાદમાં બૉડી સગાને હેન્ડઓવર કરી હતી. એ બાદ પરિવારજનોએ છાણી સ્મશાનમાં બપોરે અંતિમસંસ્કાર કરી દાહ આપી દીધો હતો.’

PSI અંબારિયાએ જણાવ્યું હતું, ‘મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા બાદ પરિવાર તેમના ઘરે પાછો ફર્યો હતો. બીજી તરફ સાંજે સાડાસાતે સંજય વડોદરામાં જ તેના દૂરના સગાને મળવા આવ્યો હતો. સગાં તેને શનાભાઈના ઘરે લઈને ગયા હતા. બાદમાં સંજયને લઈ બધા પોલીસ સ્ટેશન આવ્યા હતા. અમે પછી ઉપરી અધિકારીને જાણ કરી કરી હતી. જે લાશ સંજયની હોવાનું માનતા હતા એને ફરીથી હવે અજાણી લાશ જાહેર કરી છે. આ લાશની ઓળખ માટે ફરીથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.’

શનાભાઇ સોલંકીએ ભાસ્કરને કહ્યું હતું, ‘મારો પુત્ર બે મહિનાથી ઘરે આવ્યો નહોતો. એ દિવસે તેના ભાઈબંધો આવ્યા અને કહ્યું કે શનાકાકા, એક બૉડી મળી છે. તમે જોઈ લો. તો અમે જોવા ગયા. તો મારા છોકરા જેવો જ ફેસ હતો. બધું કમ્પ્લીટ મારા છોકરા જેવું હતું, લીટીવાળો શર્ટ પહેરેલો. એ જોઈને મેં કીધું કે સાહેબ મારો જ છોકરો છે. અમે છાણી સ્મશાન સુધી અંતિમ યાત્રા કરી. અમારા બધા સંબંધીઓ પણ આવી ગયા. એ બધું પતી ગયું પછી સાંજના સમયે સાત વાગ્યે મારો દીકરો ઘરે આવ્યો. તે દોઢ મહિના પછી ઘરે આવ્યો. તે ઘરે રહેતો જ નથી, કેટલીય વખત જતો રહે છે. તે છેલ્લાં 15 વર્ષથી આવું કરે છે. સંજયને બે છોકરા અને એક છોકરી છે, એમાંથી એક છોકરો અને છોકરી પરણેલાં છે. સાંજે તેને જોયો તો મને તો લાગ્યું કે આવ્યો ક્યાંથી? દોઢ મહિનાથી દેખાયો નહોતો. તેના આવ્યા પછી ફળિયામાં બધા માણસો ભેગા થઈ ગયા. બધાને નવાઈ લાગી. અત્યારે તે હાલોલ છે.