મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. જેમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. મહારાષ્ટ્રની કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની નવી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો વર્ષ 1975માં ઈમરજન્સી દરમિયાન જેલમાં બંધ હતા, આવા લોકોને રાજ્યમાં પેન્શન આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં આવા 3600 લોકો છે. તે દરમિયાન ડેપ્યુટી સીએમના પિતા પણ બે વર્ષ અને બે મહિના જેલમાં હતા.
પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો એકનાથ શિંદે સરકારે પહેલાથી જ રેટ ઘટાડવાના સંકેત આપ્યા હતા. હવે કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા પ્રતિ લીટર છે. તે હવે 106.35 રૂપિયા થઈ જશે. એ જ રીતે મુંબઈમાં ડીઝલની કિંમત હાલમાં રૂ. 97.28 છે. હવે તે 94.28 રૂપિયા પ્રતિ લિટર મળશે.
કેન્દ્ર સરકારે લગભગ દોઢ મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલમાંથી અનુક્રમે રૂ. 8 અને રૂ. 6 એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. આ પછી મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં અનુક્રમે 2.08 રૂપિયા અને 1.44 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. હવે ફરી લોકોને રાહત આપવામાં આવી છે. એકનાથ શિંદેએ પણ ખેડૂતો માટે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જે ખેડૂતો તેમની લોન નિયમિત રીતે ચૂકવે છે તેમને 50,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા અગાઉની પરિસ્થિતિમાં જે ખેડૂતોનું નુકસાન ભરપાઈ કરવામાં આવ્યું હતું તે ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, હવે આવા ખેડૂતોને પણ તેનો લાભ મળશે.