સુરત, તા.16 ફેબ્રૂઆરી…
સહારા ઇન્ડિયામાં રોકાણ કરનારા દેશભરના કરોડો રોકાણકારો હતો. મિસ મેનેજમેન્ટ કે સંજોગો વસાત કંપની વાયદા અનુસારનું વળતર ચૂકવી ન શકતાં કાનૂની દાવપેચ શરૂ થયા હતાં. રોકાણકારોની ફરિયાદ અને હોબાળા ના પગલે સેબી એક્ટિવ થઇ અને માલિક સુબ્રતો રોય સહિતનાને જેલભેગા કરાયા હતાં. આ કંપની સામે હવે સુરતના 115 રોકાણકારોએ વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ રોકાણકારોને પાકતી મુદતે મળવા જોઈતા હતાં એ પાંચેક કરોડ નહીં ચૂકવાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર કુંભારિયા ગામના કોળીવાડમાં રહેતા ચેરીસ નરોત્તમભાઈ પટેલ સહારા ઇન્ડિયા રોકાણકાર છે. ગામના સંખ્યાબંધ લોકોએ સહારાની જુદી જુદી 50થી વધુ યોજનાઓમાં રોકાણ કર્યું હતું. આ રોકાણકારોના મોંઢે વળતરની વાત સાંભળી ચેરીસ પટેલ 2008માં કંપનીની કડોદરા સ્થિત ઓફિસ ગયા હતાં. અહીં તેમને વિવિધ સ્કીમ સમજાવવામાં આવી હતી.
વળતરનો રેશિયો જોઈ પટેલે વર્ષ 2008થી 2016 સુધીમાં પિતા નરોત્તમભાઇ, માતા ઉષાબેન, પત્ની મોહિની, ડેનિશ પટેલ, જલેન પટેલ, જયડેન પટેલ, ડેવીન પટેલ વિગેરેના નામે 41 સ્કીમમાં 57,62,930 રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સ્કીમની પાકતી મુદત 2018થી 2021 સુધીની હતી. રોકાણની પાકતી મુદતે પટેલ રૂપિયા લેવા સહારા ઇન્ડિયા ની ઓફિસે ગયા તો તેમને જુદા જુદા બહાના બતાવી થોભવા માટે જણાવાયું હતું. 41 સ્કીમમાં કરાયેલા રોકાણના 1,45,47,819 રૂપિયા પટેલે કંપની પાસે લેવાના થતાં હતાં, જો કે તેમને આ પેમેન્ટ કરાયું ન હતું.

કંઇક આવી જ રીતે લીલાબેન કાંતિલાલ પટેલના 1,94,000. મીનાબેન શશીકાંતભાઈ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ 24,66,000. રોહન અમીતભાઇ પટેલે 4,05,050. વસંતભાઇ માધુભાઇ પટેલના 39,250 રૂપિયા રોકાણ સામે પાકતી મુદતનું વળતર ચૂકવાયું ન હતું. આ ઉપરાંત અન્ય 111 જેટલા રોકાણકારો પણ છે કે જેમને પૈસા મળ્યા નથી. આ 115 વ્યક્તિઓએ ભેગા મળી પોલીસ કમિશનર માં ફરિયાદ કરી હતી.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી હતી. પ્રાથમિક તપાસમાં રોકાણકારોને પાકતી મુદતે મળવા જોઈતા હતાં એ પાંચેક કરોડ રૂપિયા મળ્યા ન હોવાનું જણાતાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સારોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં કંપનીના કર્તાહર્તા સુબ્રતો રોય તથા કડોદરા ઓફિસના અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ ઇન્સપેકર એન. જી. ચૌધરી કરી રહ્યા છે.