કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમની આગવી કાર્યપધ્ધતિ માટે જાણીતા છે. પરિવહન ક્ષેત્રને ઝડપી સાથે પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તેમના દ્વારા કરાયેલા પ્રયત્નોની નોંધ આખો દેશ લઇ રહ્યો છે. તેઓ દેશવાસીઓને કોઈને કોઈ સારા સમાચાર આપતા રહે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે કહ્યું છે કે, સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની યોજના બનાવી રહી છે. આ પહેલા પણ નિતિન ગડકરી દેશવાસીઓને ઘણી ભેટ આપી ચૂક્યા છે.
ગુડગાંવમાં હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિયેશનના એક સમારંભને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવેની યોજના બનાવી રહી છે. ઇલેક્ટ્રિક હાઇવે એ સામાન્ય રીતે એક રસ્તો હોય છે, જેના પર ચાલતા વાહનોને વીજળી પહોંચાડવામાં આવે છે. આ વીજળી રસ્તા પર લાગેલા વાયરો દ્વારા વાહન સુધી પહોંચાડવામાં આવે છે.
તેમણે યોજનાની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, “તમે ટ્રોલીબસની જેમ ટ્રોલીટ્રેક પણ ચલાવી શકો છો.” ટ્રોલીબસ એક ઇલેક્ટ્રિક બસ છે, જે ઓવરહેડ વાયરથી ઉત્પન્ન થતા વીજ પુરવઠાથી ચાલે છે. આ પ્રસંગે ગડકરીએ કહ્યું કે તેમના મંત્રાલયે તમામ જિલ્લાઓને ચાર માર્ગીય રસ્તાઓ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર 2.5 લાખ કરોડ રૂપિયાની ટનલ પણ બનાવી રહી છે.
તેમણે કહ્યું કે, રાજ્યોની પ્રાદેશિક પરિવહન કચેરીઓમાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે તમામ સેવાઓને ડિજિટાઇઝ કરવાની જરૂર છે. અગાઉ તેમણે કાર અને બાઇક સવારોને એમ કહીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે, આગામી એકથી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર હશે. વાસ્તવમાં સરકાર વધતા પ્રદૂષણને ઓછું કરવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ હવે તેમની ઉંચી કિંમતને કારણે લોકો તેમને ઓછા ખરીદી રહ્યા છે.
કેવો હોય છે ઇલેક્ટ્રિક હાઇવે?
ઇલેક્ટ્રોનિક હાઇવે અથવા ગ્રીન હાઇવેને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આવા હાઇવે પર ખૂબ જ હરિયાળી હોવાની સાથે સાથે પર્યાવરણ માટે વધુ પગલાં લેવામાં આવે છે. આ હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ લેન હશે, જ્યાં વાહનો કેબલ દ્વારા ચાલશે. તેના પર સરકાર દ્વારા કેબલથી ચાલતી વિશેષ બસો અને ટ્રેનો દોડાવવામાં આવશે. આ બસો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
આ હાઇવેની બંને તરફ વીજ લાઇનો છે. જેના પર ભારે વાહનો પણ પૂરઝડપે દોડી શકશે. તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે. તમને જણાવી દઇએ કે સરકાર આ રીતે પેટ્રોલ-ડીઝલના વિકલ્પો પર નજર રાખી રહી છે. ઇ-હાઇવે પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો હશે. તેના પર ઇલેક્ટ્રિક બસો દ્વારા સામાન્ય લોકો પણ અડધા સમયમાં પ્રદૂષણ મુક્ત મુસાફરીનો આનંદ માણી શકશે.