મોદી અટક મુદ્દે વિવાદીત નિવેદન મામલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે અને રાંચીની સિવિલ કોર્ટમાં પોતાની વાત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ એસ.કે.દ્વિવેદીની કોર્ટે કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે સિવિલ કોર્ટમાં ઉઠાવવા જોઈએ. ઝારખંડ હાઈકોર્ટનું કહેવું છે કે રાહુલ ગાંધીએ જે કંઈ પણ કહેવું હોય તે કોર્ટમાં આવીને કહી શકે છે. તેઓ હાઈકોર્ટમાં જે મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે તે મુદ્દાઓ સિવિલ કોર્ટમાં ઉઠાવવા જોઈએ. તેમણે રુબરુમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.
રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાંચી સિવાય અન્ય કેટલીક રેલીઓમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી… તે બધા એક જ અટક મોદી કેવી રીતે છે? બધા ચોરોની અટક એક જ કેમ હોય છે મોદી?” રાહુલ ગાંધીએ કથિત રીતે આ ટિપ્પણી કરી ત્યારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ હતા. રાહુલ ગાંધી સામે અન્ય રાજ્યોમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આ જ નિવેદનને લઈને તે સુરતની મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયો હતો અને પોતે કટાક્ષ કરતો હોવાનું કહીને માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હવે વધારે યાદ નથી.
આ વિવાદીત નિવેદન મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં વકીલ પ્રદીપ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ છે કે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાંચીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકોના નામ સામે મોદી છે તે બધા ચોર છે. આનાથી મોદી સમાજ નારાજ થયો હતો અને તેમને લાગ્યું હતું કે તેમના સન્માનને ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધી તરફથી કેસ કાઢી નાંખવા કરાયેલી અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે તેમણે પોતાનો પક્ષ રજુ કરવા માટે સિવિલ કોર્ટમાં રુબરુ હાજર રહેવું પડશે.