ઇઝરાયેલે કહ્યું છે કે મંગળવારે સંયુક્ત આરબ અમીરાત સાથે મુક્ત વેપાર કરાર અને ફેબ્રુઆરીમાં ભારત-યુએઇ કરાર ત્રણ દેશો વચ્ચે ત્રિ-પાંખીય વેપાર સહયોગને વધારશે. ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને મંગળવારે આ સોદાને “ખૂબ જ મહત્વપૂર્ણ” ગણાવ્યો હતો.
2020માં અબ્રાહમ કરાર બાદ ઈઝરાયેલ અને UAE વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા છે. ઈઝરાયેલે અબ્રાહમ કરાર બાદ પ્રથમ વખત કોઈ આરબ દેશ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર દુબઈમાં ઇઝરાયેલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી ઓર્ના બાર્બીવ અને તેમના UAE સમકક્ષ અબ્દુલ્લા બિન તૌક અલ-મેરીએ હસ્તાક્ષર કર્યા હતા.
એક અહેવાલ મુજબ UAE-ઈઝરાયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે અમે ઈઝરાયેલ અને UAE વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરારથી ખુશ છીએ. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે થયેલ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) સાથે સંયુક્ત રીતે, આ કરારમાં વ્યાપક ત્રિપક્ષીય સહકાર અને વ્યાપાર ભાગીદારીની સંભાવના છે. આ કરારથી અમેરિકા સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તકો પણ ઊભી થઈ છે.
અબ્રાહમ સમજૂતી અંગે ઈઝરાયલના રાજદૂતે કહ્યું કે આ કરારથી શાંતિ અને સમૃદ્ધિ માટે ઘણી નવી તકો ઊભી થઈ છે. ગિલોને કહ્યું કે ઈઝરાયેલ સાથેનો આ કરાર એક સીમાચિહ્નરૂપ છે જે અબ્રાહમ કરારના કારણે શક્ય બન્યું છે.
ગયા ઓક્ટોબરમાં એક વર્ચ્યુઅલ મીટિંગમાં, ઇઝરાયેલ, ભારત, UAE અને યુએસના વિદેશ પ્રધાનોએ પશ્ચિમ એશિયન ક્વાડ નામના નવા સંગઠનની રચના પણ કરી. ચારેય દેશોએ મળીને આર્થિક સહયોગ માટે આ ફોરમની રચના કરી છે.
ચારેય દેશોએ કહ્યું કે સૈન્ય સહયોગને આ મંચથી દૂર રાખવામાં આવશે અને આ મંચ અર્થતંત્ર, મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત રચનાત્મક એજન્ડા પર કામ કરશે.
ઇઝરાયેલ-યુએઇ કરારથી બંને દેશો વચ્ચે માલસામાન અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપાર વધવાની અપેક્ષા છે. આ કરાર હેઠળ બંને દેશો વચ્ચેના વેપારના 96% પર તુરંત અથવા ધીમે ધીમે કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં ખાદ્ય ચીજવસ્તુઓ, કૃષિ ઉત્પાદનો, તબીબી સાધનો અને દવાઓનો સમાવેશ થશે.
કરારમાં નિયમનકારી અને માનકીકરણ મુદ્દાઓ, કસ્ટમ્સ, સહકાર, સરકારી પ્રાપ્તિ, ઈ-કોમર્સ અને બૌદ્ધિક સંપદા અધિકારો પણ આવરી લેવામાં આવ્યા છે.