સુરત, તા. 01 ફેબ્રૂઆરી…
રાંદેરરોડ પર ઋષભ ચાર રસ્તા પાસે આવેલા સંગીની મેગ્નસમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 238 આઇફોન અને 61 સ્માર્ટ વોચ સાથે બે યુવકની ધરપકડ કરી હતી. આ મોબાઇલની તપાસમાં એક્સઆર મોડેલના ફોન બોડી બદલી 13પ્રો તરીકે વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ઉપરાંત પેકિંગ માટે વપારાયેલા બોક્સ અમને સ્ટીકર પણ ડુપ્લીકેટ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે અલાયદો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચે રાંદેર રોડ ઉપર ઋષભ ટાવર સામે સંગીની મેગ્નસ કોમ્પલેક્ષમાં મોબી કેર સર્વીસીસ નામની દુકાનમાં ક્રાઇમ બ્રાન્ચે પણ દરોડો પાડ્યો છે. અહીંથી ફઇમ ફારૂક મોતીવાલા (રહે, રૈયાન હાઇટ્સ, અડજણ ગોરાટ) તથા સઇદ ઇબ્રાહિમ પટેલ (રહે, વિભૂતિ એપાર્ટમેન્ટ, ગોલ્ડન લીફ હોસ્પિટલ સામે, નાણાવટ)ને પકડી ઓફિસની તપાસ કરાઇ હતી. જેમાં એપલ કંપનીના અલગ અલગ મોડેલના 238 આઇફોન મળ્યા હતા.

73,57,000 કિંમતના આઇફોન ઉપરાંત 17.80 લાખ કિંમતની 61 સ્માર્ટ વોચ, એક લેપટોપ, 42,400 કિંમતના 424 યુએસબી ચાર્જર, લેબલ પ્રિન્ટર, આઇફોનના 250 ખાલી બોક્સ અને મોટા જથ્થામાં સ્ટીકર મળી આવ્યા હતા. કુલ 92,25,000 કિંમતની મતા સાથે ફઇમ મોતીવાલા અને સઇદ પટેલની ધરપકડ કરાઇ હતી.

આ તમામ ગેઝેટ્સની તપાસ માટે એપલ કંપની માટે કોપીરાઇટનું કામ કરતાં વિજય જ્યોતિરામ પવાર મુંબઇથી સુરત આવ્યા હતાં. તેણે મોબાઇલ ચેક કર્યા તો એકઆર મોડેલના ફોન બોડી બદલીને 13 પ્રો તરીકે પેક કરી વેચવામાં આવી રહ્યાનું બહાર આવું હતું. એક્સઆર મોડલ ના ફોન પચાસ હજારના જ્યારે 13 પ્રો ની કિંમત સવા લાખ જેટલી છે. આ રીતે તેઓ ફોનની બોડી બદલી ડબલ કિંમતે વેચી ધૂમ કમાણી કરતાં હતાં.
આ ઉપરાંત ચાર્જર પણ ડુપ્લીકેટ નીકળ્યા હતાં. આઇફોન જે બોક્સમાં પેકિંગ કરાતાં અને જે સ્ટીકર તેની ઉપર લગાવા એ અને આઇએમઇઆઇ નંબરના બારકોડ પણ નકલી હોવાનું બહાર આવ્યું હતું. એપલ કંપનીના નામે ગોરખધંધો કરવા અંગે ફઇમ મોતીવાલા તથા સઇદ પટેલ ઉપરાંત તેમને આ સરસામાન આપનાર મુંબઇના ઇમરાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.