ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારના જંગલોમાં વાઘણે ભારે આતંક મચાવ્યો હતો. નરભક્ષી બની ચૂકેલી વાઘણે બે વર્ષમાં 21 માણસોને ફાડી ખાધા હતાં. આખા પંથકમાં ભય, ડર, આતંકનો માહોલ ઉભો કરનારી આ નરભક્ષી વાઘણને આખરે જંગલ ખાતાએ જનમટીપની સજા ફટકારી છે. હવે તેણે આજીવન પીંજરામાં જ રહેવું પડશે.
મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી આસપાસના જંગલમાં વાઘણનો આતંક વધી ગયો હતો. ખેતી, પશુપાલન કે અન્ય કોઇપણ કામ માટે જંગલની આસપાસ જનારાઓ ઉપર હુમલો કરવામાં આવતો હતો. આ વાઘણનો આતંક એ હદે વઘી ગયો હતો કે આખો પંથક જાણે થથરવા માંડ્યો હતો. બે વર્ષમાં 21 માણસોને કોળિયો કરી જનારી આ વાઘણને પકડવા માટે તંત્ર દ્વારા આકાશ પાતાળ એક કરાયા હતાં. તાજેતરમાં જ આ વાઘણ મહા મહેનતે પાંજરે પૂરવામાં આવી હતી.હવે તેને લખનૌના ઝૂમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો છે. આખી જિંદગી હવે તે આ ઝૂમાં રહેશે. વાઘણની વય નવ વર્ષની છે.
વાઘણની સાથે સાથે એક વાઘ પણ પકડાયો હતો .બંનેની તપાસ કરવામાં આવી હતી અને જંગલ ખાતાને જાણકારી મળી હતી કે, માણસો પર વાઘણે જ હુમલો કર્યો હતો અને પાંચ વર્ષનો વાઘ નિર્દોષ હતો. વાઘને જંગલ ખાતાએ ગળામાં કોલર આઈડી પહેરાવીને દુધવા ટાઈગર રિઝર્વમાં લઈ જઈને મુકત કરી દીધો હતો.
વાઘણને પકડવા માટે જંગલખાતાના સેંકડો કર્મચારીઓ કામે લાગ્યા હતા. હાથીઓ અને ડ્રોનનો ઉપયોગ વાઘણની ભાળ મેળવવા માટે કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર કેમેરા લગાવાયા હતા તેમજ પિંજરા પણ મુકવામાં આવ્યા હતા. ગત મંગળવારે એવુ પણ બન્યુ હતુ કે, પિંજરા પાસેથી વાઘણ વારંવાર પસાર થઈ હતી પણ ટ્રેપમાં ફસાઈ નહોતી. એ પછી બુધવારે મોડી રાતે એક પિંજરામાં વાઘણ કેદ થઈ ગઈ હતી અને તેની સાથે પાંચ વર્ષનો વાઘ પણ સકંજામાં આવી ગયો હતો. નરભક્ષી બની ચૂકેલા વાઘણને હવે આજીવન પાંજરામાં જ રાખવાનું વનવિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ એક પ્રકારે જીવન ટીપ સજા સમાન સ્થિતિ થઇ ચૂકી છે.