નવી દિલ્હી, 08 જુલાઈ…
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને શુક્રવારના રોજ એક કેમ્પેઈન ઈવેન્ટ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. જાપાનના પશ્ચિમી ક્ષેત્ર નારા ખાતે સ્થાનિક સમયાનુસાર સવારે 11:30 કલાકે શિન્ઝો આબે પર હુમલો થયો હતો. શિન્ઝો આબેની સ્થિતિ નાજુક છે. તબીબો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શિન્ઝો ઉપર હુલો કરનાર વ્યક્તિ શિન્ઝો JMSDFનો પૂર્વ સભ્ય હોવાનું બહાર આવી રહ્યું છે.
શિન્ઝો આબે રવિવારે યોજાનાર ઉચ્ચ સદનની ચૂંટણી પહેલા એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા તે સમયે તેમના પર ગોળીબાર થયો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. હુમલાખોરે પાછળથી ગોળી ચલાવી હતી જે તેમની પીઠમાં થઈને છાતીએ પહોંચી હતી. હુમલાખોરે કુલ 2 ગોળી મારી હતી.
હુમલાખોરે હેન્ડમેડ બંદૂકનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. તે બંદૂકને કાળી ટેપ વડે સંતાડીને લાવ્યો હતો. જાપાનમાં શોર્ટ બેરલ શોટગન મેળવવા માટેની લાઈસન્સ પ્રક્રિયા ખૂબ જ અઘરી છે. હુમલાખોરે બંદૂક ક્યાંથી મેળવી તે પણ એક સવાલ છે.
જાપાનમાં ગન વાયોલેન્સ તથા રાજકીય હિંસા આ બંને ખૂબ જ દુર્લભ બાબતો છે. સુરક્ષા પોલીસની એક ટીમ આબેની સાથે જ હતી તેમ છતાં શૂટર તેમની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. પોલીસે હાલ તેની હત્યાના પ્રયત્નના આરોપસર ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ હુમલાખોરનું નામ તેત્સુયા યામાગામી છે તથા તે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF)નો પૂર્વ સદસ્ય છે. તે સિવાય તે એક સ્થાનિક યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કરી ચુક્યો છે. 41 વર્ષીય તેત્સુયાએ પૂર્વ વડાપ્રધાનને પાછળથી 2 ગોળી મારી હતી. તે પૈકીની એક ગોળી તેમની ડાબી છાતી પર વાગી હતી જ્યારે બીજી તેમની ગરદન પર વાગી હતી.
જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF) એ જાપાનીઝ નૌસેના તરીકે પણ ઓળખાય છે. તે જાપાનની નેવલ ડિફેન્સ સાથે કાર્યરત જાપાન સેલ્ફ-ડિફેન્સ ફોર્સની દરિયાઈ વોરફેર બ્રાન્ચ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ ઈમ્પિરિયલ જાપાની નૌસેના (IJN)ને હટાવીને JMSDFની રચના કરવામાં આવી હતી. JMSDF પાસે 154 જહાજો, 346 વિમાનો તથા 50,800 કર્મચારીઓનો કાફલો છે. JMSDFના 3 પ્રમુખ ઉદ્દેશ્ય છે. 1. જાપાન અને તેની આસપાસના ક્ષેત્રોની રક્ષા કરવી. 2. દરિયાઈ પરિવહનની સુરક્ષા સુનિશ્ચિત કરવી. 3. જરૂરી સુરક્ષા વાતાવરણ બનાવી રાખવું.

મીડિયા સાથે વાતચીત કરતા પીએમ ફૂમિદા કિશિદાએ કહ્યું કે આ બર્બર અને દુર્ભાવનાપૂર્ણ ઘટના છે. તેને સહન કરવામાં નહીં આવે. અમે જે કઈ કરી શકીએ છીએ તે બધુ જ કરીશું. હાલ ડોક્ટરો શિન્ઝો આબેને બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે.