મહારાષ્ટ્રમાં હિન્દુત્વ અને કોંગ્રેસને સમર્થન મામલે શિવસેનામાં પડેલી તિરાડ વધતી જઈ રહી છે. જે મુદ્દે ચૂંટણી લડ્યા હતાં, એ મુદ્દાઓને દરકિનાર કરવા મામલે એકનાથ શિંદેના નેતૃત્વમાં બહુધા ધારાસભ્યોએ ખુલ્લો બળવો કર્યો છે. હવે ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ હવે શિવસેના પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ દ્વારા બોલાવવામાં આવેલી શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ શનિવારના એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોના બળવાખોરને લઇને પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે છ પ્રસ્તાવ પસાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે શિંદે જૂથને તેમના પિતા અને શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે.
કટોકટી મુદ્દે શિવસેના દ્વારા રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બોલાવાઇ હતી. જે દરમિયાન ઠાકરેએ કહ્યું કે બળવાખોરો જે ગમે તે કરી શકે છે અને તે તેમના મામલે દખલ કરશે નહીં. તેમણે કહ્યું કે તે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે, પરંતુ કોઈએ પણ બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવો જોઇએ નહીં. બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે બળવાખોર નેતાઓ પર નિશાન સાધતા હ્યું કે, જો તમે કોઈના નામનો ઉપયોગ કરી વોટ માંગવા ઇચ્છો છો, તો તમારા પિતાના નામનો ઉપયોગ કરો, શિવસેનાના પિતાના નામનો ઉપયોગ ના કરો. તેમણે કહ્યું કે, લોકો ખબર પડી જશે કે સાંજ સુધી પાર્ટી છોડનાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરે જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે. અમે બધા તેમના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. શિવસેનાએ એવું પણ કહ્યું કે, બળવાખોર ધારાસભ્યો અને બાળસાહેબના નામનો ઉપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય કાર્યકારિણીએ ઉદ્ધવ ઠાકરેને બળવાખોર સામે કાર્યવાહી સહિત પાર્ટીથી સંબંધિત તમામ નિર્ણય લેવા માટે પાવર આપવામાં આવ્યો છે. શિવસેનાની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાયા હતાં.
- શિવસેના બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વ વિચારધારાનું પાલન કરશે
- ઉદ્ધવ ઠાકરે પાર્ટીના તમામ નિર્ણય લેવા માટે અધિકૃત છે
- શિવસેના તમામ ચૂંટણી ઉદ્ધવ ઠાકરેના નામ પર લડશે
- બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે
- શિવસેના અખંડ મહારાષ્ટ્રની વિચારધારા સાથે બાંધછોડ નહીં કરે
- દિવંગત બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાનો અધિકાર કોઈને નથી
એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રવક્તા નિયુક્ત કરવામાં આવેલા શિવસેના ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે, અમે શિવસેના છોડી નથી. અમે શિવસેનાના સભ્યો છીએ અને અમે અસલી શિવસેના છીએ. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પાસે બે તૃતીયાંશ બહુમતી છે અને એકનાથ શિંદે તેમના નેતા છે. કોઈ અન્ય પાર્ટી સાથે ગઠબંધનથી ઇનકાર કરતા કેસરકરે કહ્યું કે, તેમનું જૂથ અલગ માન્યતાની માગ કરે છે. તેમણે કહ્યું કે, જો તેમના જૂથને માન્યતા નહીં મળે તો તેઓ કોર્ટમાં જશે અને પોતાના અસ્તિત્વ અને સંખ્યાને સાબિત કરશે. તેમણે કહ્યું કે, અમારી પાસે સંખ્યા છે, પરંતુ અમે સીએમ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરીએ છીએ, અમે તેમની વિરૂદ્ધ નહીં બોલીએ. આપણે તે રસ્તા પર ચાલવું જોઇએ જેના પર આપણે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
મહારાષ્ટ્ર રાજકીય સંકટની મુખ્ય વાતો
- શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં અમારી જીત થશે અને સત્યની જીત થશે.
- ગુવાહાટીમાં પૂર્વ મંત્રી અને એકનાથ શિંદે જૂથના સભ્ય દીપક કેસરકરે કહ્યું કે અમે શિવસેનાને છોડી નથી અને અમે ઉદ્ધવ ઠાકરેની વિરૂદ્ધ કઈપણ નહીં બોલીએ.
- શિવસેના કાર્યકર્તાઓએ બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંત અને શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેની ઓફિસમાં તોડફોડ કરી.
- NCP સાંસદ સુપ્રિયા સુલેએ ગુવાહાટીમાં કેમ્પ કરી રહેલા શિંદે જૂથના ધારાસભ્યોને ભાગેડુ ધારાસભ્યો તરીકે ઓળખાવ્યા હતા.
- શિવસેના કાર્યકારિણીએ પ્રસ્તાવ પાસ કર્યો કે કોઈપણને પાર્ટી તથા બાળા ઠાકરેના નામનો ઉપયોગ કરવાનો અધિકાર નથી.
- શિવસેના કાર્યકારિણીએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના વિદ્રોહિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો.
- એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમના જૂથના ધારાસભ્યોની સુરક્ષા હટાવાઈ છે, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આ દાવાને નકાર્યો છે.