અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસન બાદ નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક નાગરિકોની સાથે વિશ્વભરના દેશોના દૂતાવાસો પણ બંધ થઇ ગયા હતા. દૂતાવાસોમાં કામ કરતા અધિકારીઓને તેમના દેશમાં પાછા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હવે લગભગ 10 મહિના પછી ભારતે એક મોટું પગલું ભર્યું છે અને કાબુલમાં પોતાનું દૂતાવાસ ફરી ખોલ્યું છે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારીના નેતૃત્વમાં ભારતીય ટેકનિકલ ટીમ પણ પહોંચી ગઈ છે.
આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ટીમ વિવિધ હિતધારકો સાથે માનવતાવાદી સહાયના પુરવઠા પર સંકલન અને દેખરેખ રાખશે. ભારતના આ નિર્ણય બાદ તાલિબાન સરકારે ખુશી વ્યક્ત કરી છે. તાલિબાનના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ કહ્યું, “અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત (LEA) અફઘાન લોકો સાથેના સંબંધો અને તેમની માનવતાવાદી સહાયતા ચાલુ રાખવા માટે રાજદ્વારીઓ અને તકનીકી ટીમને કાબુલમાં તેના દૂતાવાસમાં પરત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરે છે.
બલ્કીએ કહ્યું- ભારતીય રાજદ્વારીઓનું અફઘાનિસ્તાન પરત ફરવું અને દૂતાવાસ ફરી ખોલવો એ દર્શાવે છે કે દેશમાં સુરક્ષાનું વાતાવરણ છે અને અહીં તમામ રાજકીય અને રાજદ્વારી અધિકારોનું સન્માન કરવામાં આવે છે. તાલિબાનના પ્રવક્તાએ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંમેલનો અનુસાર તમામ વર્તમાન દૂતાવાસોની સુરક્ષાની ખાતરી આપી છે. અફઘાન સરકારે અન્ય દેશોને તેમના દૂતાવાસો ફરીથી ખોલવા માટે હાકલ કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું- તાજેતરમાં જ એક ભારતીય ટીમે અફઘાનિસ્તાનમાં અમારી માનવતાવાદી સહાયના વિતરણની કામગીરીની દેખરેખ રાખવા કાબુલની મુલાકાત લીધી હતી અને તાલિબાનના વરિષ્ઠ સભ્યો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સુરક્ષાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન સમાજ સાથે ભારતના લાંબા ગાળાના સંબંધો અને અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય સહિત બંને દેશો વચ્ચેની વિકાસ ભાગીદારી આગળના માર્ગનું માર્ગદર્શન આપતા રહેશે.