પટના : બિહારના મોતિહારીમાં મેડિકલ જગતમાં ભાગ્યે જ બનતી એક ઘટના બની છે જેનાથી સાબિત થાય છે કે કુદરત ગમે ત્યારે ખેલ ખેલી નાખતી હોય છે. ફાંટાબાજ કુદરત ક્યારેક એવો અજુબો કરી નાખતી હોય છે કે કાળા માથાનો માણસ ગોથું ખાઈ જતો હોય છે. માતાના પેટમાં ગર્ભ વિકસીત થવો સામાન્ય કુદરતી ઘટના છે. પરંતુ નવજાત બાળકના પેટમાં ગર્ભ જોવા મળ્યો હોય તેવી આ પહેલા કોઈ ઘટના બની ન હોવાથી સમગ્ર મોતીહારી પંથકમાં અજાયબ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ તબીબી જગત માટે આ ઘટના અભ્યાસ અને સંશોધનનો વિષય સાબિત થઇ છે.
બિહારના મોતિહારીમાં 40 દિવસના શિશુના પેટમાં ગર્ભ જોવા મળતાં તબીબો ચોંકી ઉઠયા હતાં. 40 દિવસના નવજાત શિશુના પેટમાં એક ગર્ભ વિકસિત થતો હોવાનું જાણવા મળ્યું છે, જે એક અસામાન્ય તબીબી વિચિત્રતા છે. તાજેતરમાં જ મોતિહારીના રહેમાનિયા મેડિકલ સેન્ટરમાં 40 દિવસના નવજાત શિશુને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, શિશુનું પેટ ફૂલાઈ ગયું હોવાથી તે કુદરતી રીતે પેશાબ કરી શકતું નહોતું. આથી તેની સમસ્યાનો અંત લાવવા માટે ડોક્ટરોએ સિટી સ્કેન કર્યો હતો. સિટી સ્કેનમાં ડોકટરોએ જે જોવા મળ્યું તેનાથી તેઓ ભારે નવાઈ પામ્યા હતા. ડોક્ટરોને જોવા મળ્યું કે શિશુના પેટમાં એક ગર્ભ વિકસીત થઈ રહ્યો હતો અને તેને કારણે તેનું પેટ ફુલાઈ ગયું હતું અને તે કુદરતી રીતે પેશાબ કરી શકતું નહોતું.
ડો.તબરેઝ અઝીઝે એએનઆઈને જણાવ્યું હતું કે નવજાત શિશુમાં આ દુર્લભ ઘટનાને ‘ફેટુમાં ગર્ભ’ અથવા તબીબી દ્રષ્ટિએ બાળકના પેટમાં ગર્ભની હાજરી તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે, આ એક દુર્લભ ઘટના છે જે દર પાંચ લાખ લોકોમાંથી માત્ર એકમાં જ બને છે. ડો.અઝીઝે જણાવ્યું હતું કે, “એક દુર્લભ તબીબી વિસંગતતા પ્રકાશમાં આવી છે જ્યાં 40 દિવસના શિશુના પેટની અંદર એક ગર્ભ વિકસિત થતો જોવા મળ્યો હતો. તેને ગર્ભમાં ગર્ભ કહેવામાં આવે છે. શિશુની સર્જરી કરવામાં આવી છે, હાલત સ્થિર છે. ડો.અઝીઝે જણાવ્યું હતું કે, કુદરતના અનોખા ચમત્કારના સાક્ષી બનેલા નવજાત બાળકની સર્જરી બાદ હવે સંપૂર્ણ પણે ઠીક છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.