સુરતના પનાસ વિસ્તારમાં વર્ષ 1998માં નાણાંકીય વિખવાદમાં યુવકની હત્યા કરી ભાગેલા શખ્સને સુરત પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગૃપે 24 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. નાસતા ફરતાં ગુનેગારોને શોધવા માટે હાથ ધરાયેલી ઝૂંબેશ અંતર્ગત એ યુવકને 24 વર્ષ બાદ ઓડિશા ખાતેથી ઝડપી લાવી છે.
એસઓજી પાસે મળતી માહિતી અનુસાર વર્ષ 1998માં ઉમરા પોલીસ મથકની હદમાં પનાસ નહેર પાસે યુવકની ચપ્પુના ઘા તેમજ પત્થર વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અને આ ગુનામાં લખન બહેરા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ ગુનામાં સુરત એસઓજીએ બાતમીના આધારે ઓડીસાના બડાબદગી ગામ ખાતેથી લખન દીનબંધુ બહેરાને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ જણાવ્યું હતું કે આરોપી ખુબ શાતિર હતો. પોલીસ તેને શોધવા તેના વતન ખાતે અવારનવાર આવતી હતી. પરંતુ તે ત્યાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોઇ પોલીસ આવે તે પહેલા જ તેને ખબર પડી જતી અને તે ત્યાંથી નાસી જતો હતો. જો કે આખરે તે તેના વતન આવતા જ એસઓજી પોલીસની ટીમે ઓડિસા પોલીસની મદદ લઇ આરોપીને ઝડપી પાડ્યો હતો.
એસઓજીની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે 1998ની સાલમાં તે પોતાના ભાઈ રાજન અને સુજાન સાથે પનાસ ગામ ખાતે રહી કપડા વીણાટનું કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિદ્યા જાણતો હોઇ તેણે સુરત ખાતે રહેતી એક છોકરીનો મેલી વિદ્યાથી ઈલાજ કર્યો હતો. પરંતુ તે છોકરી સાજી થઇ ન હતી. જેથી છોકરીના સગાસબંધીઓ તેના ભાઈ સુજનને ઉપાડી ગયા હતા અને તેને છોડવા માટે પૈસાની માંગણી કરી હતી. જેથી પોતે તથા તેનો ભાઈ રાજને સુરત ખાતે રહેતા તેના ગામનો બાબુ તરણી શાહુ પાસેથી તેના ભાઈને છોડાવવા માટે 5 હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે પૈસાથી તેના ભાઈને છોડાવ્યો હતો.
ભાઇને બચાવવા માટે લેવાયેલા રુપિયાની બાબુએ ઉઘરાણી શરુ કરી હતી. લખન રુપિયાની વ્યવસ્થા કરી ન શકતાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદથી બાબુ ચપ્પુ લઈને આરોપી તથા તેના ભાઈને મારવા માટે શોધતો હતો. જેથી તે તેમને મારે તે પહેલા જ તેને પૂરો કરી નાખવાનું નક્કી કર્યું હતું અને તારીખ 29-09-1998ના રોજ બપોરે પોતે તથા તેના ભાઈ રાજન અને તેના અન્ય બે મિત્રોએ ભેગા થઈને બાબુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં તેનું મોત નહી થતા પત્થર વડે ગંભીર ઈજાઓ કરી તેની હત્યા કરી હતી અને હત્યા બાદ તે ત્રીયુર ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યાં રોડ બાંધકામની મજૂરી કરતો હતો.