સુરત, 7 જુલાઇ…
તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવા માટે એક યુવક સુરતના મોટાવરાછા ખાતે આવેલા નવા બ્રિજ ઉપર પહોંચ્યો હતો. તે બ્રિજની રેલિંગ ઉપર ચઢી પણ ગયો હતો. જો કે આ અંગે જાણ થતા જ મોટા વરાછા ફાયર સ્ટેશનથી સબ-ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનોની ટીમ ટૂંકા સમયગાળામાં ઘટના સ્થળે પહોંચી હતી. અહીં બ્રિજની પાળી ઉપર બેસી તાપી નદીમાં કુદવાની તૈયારીમાં રહેલા વિદ્યાર્થીને સુઝબુઝ અને સમયસૂચકતા વાપરીને બચાવી લેવામાં આવ્યો હતો. કેનેડા જવા માટેની તૈયારી યોગ્ય રીતે થઇ ન શકતાં માનસિક તાણ અનુભવતો હોવાથી આપઘાત જેવું આત્યંતિક પગલું ભરવા તે ઘરેથી નીકળ્યો હોવાનું બહાર આવ્યું છે.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો કે મોટાવરાછા ફ્રૂટ માર્કેટ પાસે આવેલ નવા બ્રિજ પરથી એક યુવક આપઘાત કરવાની કોશિષમાં છે. આ યુવક બ્રિજની રેલીંગ ઉપર બેઠો છે અને નદીમાં કૂદવાના ઇરાદો રાખતો હોવાની વાત પણ કોલરે જણાવી હતી. ફાયર કંટ્રોલ દ્વારા મામલાને ગંભીરતાંથી તાત્કાલિક મોટાવરાછા ફાયર સ્ટેશનને મેસેજ આપવામાં આવ્યો હતો. જેથી મોટાવરાછા ફાયર સ્ટેશનથી સબ-ફાયર ઓફિસર રાહુલ બાલાસરા સહિત ટીમ ફક્ત એકથી દોઢ મિનિટના ટૂંકા સમયમાં સ્થળ ઉપર પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
સબ ઓફિસરએ જણાવ્યું હતું કે મોટાવરાછા ખાતે આવેલ સારથી કોમ્પ્લેક્ષમાં રહેતો 17 વર્ષીય આર્યન યોગેશ તળાવિયા બ્રિજની પાડી ઉપર બેસીને આપઘાત કરવાના ઈરાદે કુદવાની તૈયારીમાં હતો જોકે અમે તાત્કાલિક બે કર્મચારીઓને તાપી નદીમાં ઉતારી દીધા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીને વાતોમાં ફોસલાવી સુઝબુઝ સાથે તેની નજીક પહોંચ્યા હતા અને ત્યાર બાદ માર્શલ પૃથ્વીરાજ પઢેરિયાએ તેને પાછળથી પકડી લઇને બચાવી લીધો હતો. તે રડવા લાગ્યો હતો જેથી તેને સમજાવી સાંત્વના આપી હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી અભ્યાસ માટે કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ તૈયારી બરાબર નહીં થવાથી માનસિક તાણ અનુભવતો હતો. કેનેડા ન જઇ શકાય તો શું એવા વિચારોમાં ડૂબી તે આપઘાત જેવું આત્યંતિક પગલું ભરવા સુધી પહોંચી ગયો હતો. આ માટે તે ઘરેથી નીકળ્યો અને નદીના પુલ ઉપર પહોંચી ગયો હતો. જો કે સમયસર કોઇકે ફાયર બ્રિગેડને જાણ કરી દેતાં તેને ઉગારી લેવામાં સફળતાં મળી હતી. ફાયર બ્રિગેડે જાણ કરતાં તેના પિતા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી અને તેને સહીસલામત સોંપી દેવામાં આવ્યો હતો.