અંકલેશ્વરમાં મથુટ ફાઇનાન્સમાં રહેલું કરોડોનું સોનુ ચોરી કરવા તસ્કરોએ ઘડેલું કાવતરુ રાયસને નિષ્ફળ બનાવ્યું હતું. ફાયનાન્સ ઓફિસની બાજુમા જ ભાડેથી લીધેલી દુકાનની દીવાલમાં મસમોટું બાકોરું પાડી ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાયરન રણકી ઉઠતા ચોરટાઓને પોલીસથી જાન બચાવી નાસવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરમાં પ્રતિન ચોકડી નજીક રાજકમલ આર્કેડના પેહલા માળે મુથુટ ફાઇનાન્સની ઓફીસ આવેલી છે. ગોલ્ડલોન માટે જાણીતી આ કંપનીની તિજોરી સોનાથી છલોછલ રહેતી હોય છે. કેટલાક યુવકોએ આ ફાઇનાન્સ કંપનીની તિજોરી ખાલી કરવાનું કાવતુ રચ્યું હતું. પ્લાનિંગ અનુસાર કંપનીની બાજુમાં આવેલી દુકાન 10 થી 12 દિવસ પેહલા ભાડે રાખવામાં આવી હતી. દુકાન અને કંપનીની ઓફિસ વચ્ચેની દીવાલમાં બાકોરુ પાડી ચોરી કરવાનું આયોજન કરાયું હતું.
તસ્કરોએ તેમનું કાવતરુ અમલી કરતાં ગેસ કટ્ટર, છીણી, આથોડી, પાના, પેચિયા સહિતનો જરૂરી તમામ સામાન લઈ આવ્યા હતા. શનિવારે રાતે 12 કલાકના અરસામાં ફાઇનાન્સની બાજુમાં લીધેલી ભાડેની દુકાનની કોમન વોલમાં તસ્કરોએ મસમોટું ગાબડું પાડી દીધુ હતું. ત્યાંથી હરખાતા સામાન-ઓજારો લઈ તસ્કરો મુથુટ ફાઇનાન્સમાં પ્રવેશ્યા હતા. જો કે અહીં તેમણે સાયરનના વાયરો પણ કટર વડે કાપી નાખ્યા હતા. રાતે 12.30 કલાકના આસપાસ એક સાયરન ગુંજી ઉઠતા તસ્કરોનો હરખ ઓસરી ગયો હતો અને ભાગવોનો વારો આવ્યો હતો.
ઘટના અંગે ચોરીના પ્રયાસની ફરિયાદ મુથુટ ફાઇનાન્સના મેનેજર ઉત્પલ પાંડેએ શહેર પોલીસ મથકે નોંધાવી હતી. શહેર પોલીસે ડોગ સ્કવોર્ડ, એફએસેલની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન CCTV ફૂટેજ પણ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તસ્કરોએ 10 થી 12 દિવસ પેહલા જ ફાઇનાન્સની બાજુની દુકાન ભાડે રાખી હતી. અને જેનો ભાડા કરાર કર્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.
મુથુટ ફાઇનાન્સમાં 8 થી 9 કરોડ રૂપિયાનું લોકોનું સોનુ સેફ લોકરમાં પડ્યું હોવાની વિગતો બહાર આવી છે. ફાઇનાન્સ કંપનીના સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ જો સાયરન વાગ્યું ન હોત તો પણ તસ્કરો કરોડોનું સોનુ ચોરવામાં કામિયાબ ન થાત. ગોલ્ડ લોનની શાખાઓમાં 4 લેયરની સુરક્ષા હોય છે. સાથે 3 જેટલા સાયરનો અને સીસીટીવીની કડક વોચ. બંધ શાખામાં કોઈપણ તસ્કર જેને જાણકારી ન હોય અને અંદરના સ્ટાફની મદદ કે સિક્યુરિટી કોર્ડ સહિતની માહિતી ચોરીને અંજામ આપવો અશક્ય રહે છે.