નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાનો તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધો છે. સાથે સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો સિવાય અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો ઉપર નોમિનેશન પ્રક્રિયા પણ શરુ કરાઇ છે. દેશની મહાન એથલીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીટી ઉષા સાથે ફિલ્મ કંપોઝર અને સંગીતકાર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી. વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા છે કે કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ જુબિન ઈરાનીને અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો પણ પ્રભાવ સોંપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે સ્ટીલ મંત્રાલયનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે.
પીએમ મોદીએ બંને મંત્રીઓની કરી પ્રશંસા
આ પહેલા આજે કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની તેમના મંત્રી કાર્યકાળ દરમિયાન આપેલા યોગદાન માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીની પ્રશંસાને તે રૂપમાં જોવામાં આવી કે આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બંને નેતાઓ માટે છેલ્લી હતી.
બંને નેતાઓનો રાજ્યસભાના સભ્યના રૂપમાં કાર્યકાળ સાત જુલાઈ એટલે કે ગુરૂવારે પૂર્ણ થઈ રહ્યો છે. બંને મંત્રીઓએ બંધારણીય દાયિત્વને પૂરા કરવા માટે પોતાનું રાજીનામુ સોંપી દીધુ કારણ કે શુક્રવારથી તે સાંસદ રહેશે નહીં. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભાના ઉપનેતા પણ રહ્યા છે. તો આરસીપી સિંહ જેડીયૂ કોટાથી મોદી કેબિનેટમાં મંત્રી હતી. નકવીના રાજીનામા બાદ હવે કેન્દ્રમાં કોઈ મુસ્લિમ મંત્રી હશે નહીં અને ભાજપના લગભગ 400 સાંસદ સભ્યોમાંથી કોઈ મુસ્લિમ સાંસદ હશે નહીં.

પીએમ મોદીએ પીટી ઉષા વિશે જાણકારી આપતા જણાવ્યુ કે પીટી ઉષાને રમતમાં તેની સિદ્ધિઓને વ્યાપક રૂપથી ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા એથલીટોનું માર્ગદર્શન કરવા માટે તેમનું કામ એટલું જ પ્રશંસાપાત્ર છે. તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવા માટે શુભેચ્છા.
ઇલૈયારાજા વિશે જણાવતા પીએમ મોદીએ જણાવ્યુ કે તેમણે પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમના રચનાઓ અનેક ભાવનાઓની સુંદરતાને દર્શાવે છે. તેઓ એક વિનમ્ર પૃષ્ઠભૂમિથી આવ્યા અને ઘણું મેળવ્યું. ખુશી છે કે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યુ કે સામુદાયિક સેવામાં સૌથી આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે ચોક્કસપણે સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરશે.
આ ત્રણ લોકો સિવાય વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે પીએમ મોદીએ કહ્યુ કે, તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે અને વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી ચુકી છે. તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવા માટે શુભેચ્છા.