મહારાષ્ટ્રનું રાજકારણ શિવસેનાના આંતરિક કહેલના કારણે ગરમાયું છે. શિંદે જુથે બાંયો ચઢાવતાં ઠાકરે બેકફૂટ ઉપર આવ્યા અને બહુમત સાબિત કરવાની નોબત આવી હતી. આ સ્થિતિ ટાળવા સેનાએ સુપ્રીમ સુધી લડત લડી. જો કે કોર્ટે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા છે. જેના થોડા સમય બાદ જ CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તો સાથે તેમણે વિધાનસભા પરિષદમાંથી પણ રાજીનામું આપ્યું છે.ઉદ્ધવ ઠાકરે પોતે કાર ચલાવીને રાજભવન પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામું સોંપ્યું હતું. રાજીનામાં બાદ ઉદ્ધવ ઠાકરેએ મંદિર પહોંચીને દર્શન કર્યા હતા.

મહારાષ્ટ્રમાં અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા બાદ આખરે ઉદ્ધવ ઠાકરેને રાજીનામુ આપવું પડ્યું. 28 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સરકારને એનસીપી અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. મહાવિકાસ અઘાડી નામનું સંગઠન બનાવીને કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચાલતી હતી. પરંતુ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોની બળવાખોરી બાદ રાજીનામુ આપવું પડ્યું છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં શું થશે ?
ઉદ્ધવ ઠાકરેની મોટી ભૂલો સરકારના પતન માટે નિમિત્ત બની..!!
*ઠાકરે પરિવારમાંથી અગાઉ કોઇ મુખ્યમંત્રી ન હતું, બાળાસાહેબ વટથી રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવતાં રહ્યા, જ્યારે ઉદ્ધવ ડ્રાઇવીંગ સીટ ઉપર બેસી ગયા.
*બાળાસાહેબે ક્યારેય સત્તા પોતાના હાથોમાં રાખી ન હતી, છતાં સર્વસત્તાધિશ રહ્યા. સત્તા હાથમાં લેવાની લાલસા ઉદ્ધવ રોકી ન શક્યા અને સરકાર ગુમાવી.
*કિંગ નહીં પણ કિંગ મેકર બનીને રાજકારણમાં પોતાનું મહત્વ હંમેશા વધારે રાખવાની શિવસેનાની મૂળભૂત વિચારધારા કે રણનિતિને દરકિનાર કરવામાં આવી.
*ઉદ્ધવ ઠાકરેના CM પદ સંભાળવા પાછળ ખુરશીનો મોહ સ્પષ્ટ દેખાયો, જેને લઇ શિવસૈનિકો જ નહીં રાજકારણમાં પણ તેમનો પ્રભાવ ઓછો થવા માંડ્યો.
*ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મોટી ભૂલ વિચારધારાને પડતી મુકીને ગઠબંધન કર્યુ. શિવસેનાની વિચારધારા હિન્દુત્વનું રહ્યું,જે ભાજપ સાથે તાલમેલ ધરાવે છે

*બાળાસાહેબની શિવસેનાનું ગઠબંધન ભાજપ સાથે રહ્યું. 2019ની ચૂંટણી પણ બંનેએ સાથે લડી. પરિણામ આવ્યા બાદ ખુરશી પદને લઇને વિવાદ થયો.
*ઉદ્ધવ ઠાકરે સત્તા માટે NCP અને કોંગ્રેસ સાથે જોડાયા, ઉદ્ધવના આ નિર્ણયને કારણે શિવસૈનિકોથી ભાવનાત્મક દૂર થયા, ધારાસભ્યોમાં નારાજગી વધી
*રાજકીય નિષ્ણાંતોના મતે હિન્દુત્વ તેમના પક્ષની ઓળખ રહી છે, હિન્દુત્વથી અંતર વધારી ઉદ્ધવ ઠાકરે પોતાન મૂળ સિદ્ધાંતથી ભટકી ગયાનો આરોપ લાગ્યો.
*ઉદ્ધવ ઠાકરે પર બંધ બારણાની રાજનીતિના આરોપ લાગ્યા, ધારાસભ્યોને મળવાનું છોડી દીધું, પાર્ટીમાં નેતાઓ અને ધારાસભ્યોથી અંતર વધ્યું જે જોખમી બન્યું
*શિવસેનામાં આટલો મોટો બળવો થયો તો પણ ઉદ્ધવ ઠાકરેને અણસાર ન આવ્યો? સવાલ એ પણ છે કે ઉદ્ધવ ઠાકરેએ આ બળવાને ગંભીર રીતે કેમ ન લીધો?
*શિવસેનાની અંદરની આટલી મોટી હલચલનો અણસાર ન આવવો તે મોટી ભૂલ બની, ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યોને મનાવવાના પ્રયત્નોમાં પણ કાચા પડ્યા

ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને કહ્યું કે મને મહારાષ્ટ્રની શાંતિ ડહોળવાની ઈચ્છા નથી. શિંદે જૂથને લઈને નિવેદન આપતા કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે રાખવાની જરૂર હતી. જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો. વધુમાં જણાવ્યું કે આખા દેશમાં જુદી જુદી જગ્યાએ તોફાનો થયા પરંતુ મહારાષ્ટ્રમાં ન થયા. તેવું ઉદ્ધવે જણાવ્યું હતું. શિવસેના અમારી પાસેથી કોઈ છીનવી નહી શકે, મારી પાસે જે શિવસૈનિકો છે એમને મજબૂત બનાવીશ તેવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.