સુરત, તા.16 ફેબ્રૂઆરી…
નવસારીના વાંસદામાંથી મળેલા બાળકના મૃતદેહનો ભેદ ઉકેલતાં પોલીસે એવા ખૂલાસા કર્યા કે સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા હતાં. માસૂમના હત્યારા અન્ય કોઇ નહીં સગા મા-બાપ જ નીકળ્યા હતાં. જો કે આ મા-બાપ પતિ-પત્ની ન હતાં. આડા સંબંધ કહો કે હવસખોરીના કારણે જન્મેલા બાળકને બદનામીના ડરથી મારી નાંખવામાં આવ્યું હતું. પાપ છૂપાવવા ઘોર પાપ કરનાર આ યુગલને પોલીસે દબોચી લીધું છે.

પોલીસ પાસે મળતી માહિતી અનુસાર એક મહિના પહેલાં એટલે કે 14મી જાન્યુઆરીએ વાંસદાના જૂજ ડેમના કેચમેંટ પરથી પોલીસને ગુટખાના થેલામાં પેક કરેલી બે મહિનાના માસૂમની લાશ મળી હતી. ગ્રામ્ય વિસ્તાર હોવાથી કોઇ સીસીટીવી નહોતા કે કોઇ પુરાવા પણ નહોતા જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવો પડકારજનક હતો. પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે એમ આખરે એક મહિના બાદ પોલીસે હત્યારા મા-બાપને ઝડપી પાડ્યા છે.
પોલીસના કહેવા અનુસાર વાંસદાના ખાટાઆંબા ગામનો રહેવાસી 34 વર્ષીય વિનોદ માહલા ત્રણ સંતાનોનો પિતા છે. ડ્રાઇવીંગ કરતો વિનોદ ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચના નામની પરિણીત મહિલાના આ વિનોજના ગામમાં આવેલા મામાનાં ઘરે અવાર-નવાર આવતી હતી. અહીં વિનોદ અને સુલોચનાની આંખ મળીને બંને પ્રેમમાં પડી ગયા. સુલોચનાને પોતાના પતિ સાથે ન જામતા નવ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી. જેથી કોઇ રોકટોક નહીં ને બંને પ્રેમી પંખીડા આઝાદીથી મળવા લાગ્યા. ને આમને આમ પાંચ વર્ષ નીકળી ગયા હતાં.

પરિણીતો વચ્ચેના અનૈતિક પ્રેમ સંબંધમાં સુલોચના ગર્ભવતી થઇ ગઇ હતી. પતિથી અલગ રહેતી અને પ્રેમી થકી ગર્ભવતી બનેલી સુલોચના ડરી ગઇ હતી. ગર્ભસ્થ બાળકનું શુ કરવું એની ગડમથલ અનુભવતી સુલોચના કોઇને ખ્યાલ ન આવે એટલે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે રહેવા જતી રહીં હતી. ત્યારબાદ 19મી નવેમ્બરે સુલોચનાએ સુરત સિવિલમાં બાળકને જન્મ આપ્યો.. આમાં કોઇને ખબર ન પડે એટલે ચતુરાઇ પૂર્વક પ્રેમી પંખીડા સુરત સિવિલ ગયા હતા. અહીં બાળકનો જન્મ થયો અને પૂર્વાંશ નામ રાખવામા આવ્યું હતું.

પૂર્વાંશ વિશે સમાજને કે પરિવારને ખબર પડે તો બદનામી થાય.. હવે કરવું શું? જેથી આડખીલીરૂપ બનતા પૂર્વાંશને પતાવી દેવાનો બંનેએ પ્લાન કર્યો ને એક તારીખ નક્કી કરવામાં આવી. પ્લાન મુજબ પિતા વિનોદે વાંસદાથી એક ગુટખાનો થેલો ખરીદ્યો હતો. આ થેલામાં સુલોચનાએ પૂર્વાંશ પેક કરી દીધો, સાથે રમકડાં પણ મુક્યા હતાં. ત્યારબાદ એક્ટિવા પર રાયબોરના બધીયાર ફળિયા પાસેના જૂજ ડેમના કેચમેંટમાં જઈને પૂર્વાશના શ્વાસ રૂંધાય ત્યાં સુધી મોઢા પર હાથ રાખીને પતાવી દીધો. જે બાદ થેલામાં રમકડા સાથે પૂર્વાંશને પેક કરી થેલા સાથે મોટા પથ્થર બાધી ડેમમાં ફેકી દીધો.. જેના બે દિવસ બાદ 14મી જાન્યુઆરીએ પથ્થર અલગ પડતાં પૂર્વાંશની લાશ બહાર આવતાં પોલીસને જાણ થઇ ને પોલીસ તપાસમાં જોતરાઇ હતી.

આ તપાસમાં પોલીસને વિનોજ અમને સુલોચનાના પ્રેમ પ્રકરણની જાણ થઇ. સુલોચના પાસેનું બાળક ગાયબ થઇ ગયાનું પણ જાણવા મળતાં તેઓને અટકાયતમાં લઇ પૂછપરછ કરાઇ અને બાળકની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
વાંસદાના પી.આઇ. બી.એમ. ચૌધરીએ જણાવ્યું બતું કે આરોપી વિનોદ ડ્રાઇવિંગનું કામ કરે છે. જેને ત્રણ સંતાનો પણ છે. જે રીઢો ગુનેગાર ન હોવા છતાં પણ તેણે બાળકની ઠંડા કલેજે હત્યા કરી સિફતપૂર્વક તેને ગુટકાના થેલામાં પેક કરી તેના ઉપર પથ્થર બાંધી પાણીમાં ફેંકી દીધો હતો. આરોપીએ હત્યાની મોર્ડર્સ ઓપરેન્ડી કઈ રીતે ઘડી તે તમામ માહિતી રિમાન્ડ દરમિયાન સામે આવશે, હાલ પોલીસે દરમિયાન માહિતી બહાર આવશે. હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી છે.

**ભેદ ઉકેલવા પોલીસે 7400 બાળકોની વિગત મેળવી
લાશ મળી પણ પોલીસ પાસે કેસ ઉકેલવા એકપણ કડી નહોતી. હવે કરવું શું? પણ વાંસદાના પી.આઇ. બી.એમ. ચૌધરીએ મનમાં ગાંઠવાળી કે આ કેસ જલ્દી ઉકેલવો છે. કોઇ સુરાગ ન હોવાથી પોલીસે 1200 જેટલા પેમ્પલેટ છપાવી વાંસદા, વઘઈ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સુરગાણા (મહારાષ્ટ્ર) વિસ્તારના અલગ અલગ ગામોમાં ટીમો બનાવી વહેંચવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત વાસદા આજુબાજુ આવેલા અન્ય તાલુકાની 12 જેટલી સરકારી/ખાનગી ગાયનેક હોસ્પિટલમાં 0થી 1 વર્ષના 7400 જેટલા બાળકોની માહિતી મેળવી, તેમાંથી 870 (પુરુષ )બાળકોની માહિતી અલગ તારવી હતી. આ દરમિયાન એક ખાનગી વ્યક્તિએ પોલીસને વિનોદના પ્રેમ પ્રકરણની જાણ કરી. પોલીસને એક કડી મળી પણ પૃફ કરવું મુશ્કેલ હતું. જેથી પોલીસે ધીમે ધીમે અન્ય પુરાવાઓ ભેગા કરવાનું શરૂ કર્યું ને અંતે વિનોદને ઉઠાવી લીધો. પોલીસ સ્ટેશનને લાવીને પુછપરછ કરતાં વિનોદ ભાંગી પડ્યોને ગુનો કબુલ કરી લીધો. બાદમાં પોલીસે સુલોચનાની પણ ધરપકડ કરી છે.