ઝઘડિયા, 5 જુલાઇ…
ચોરી બાબતે બેફિકર રહેલા લોકોના મોંઢે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે.. કેળાની લૂમ છે, કે જે લઇ જશે.. જો કે આ જ કેળાની લૂમ ચોરી જવાનો વિચિત્ર કિસ્સો ભરૂચના ઝઘડિયા તાલુકાના વેલુગામથી બહાર આવ્યો છે. પીકઅપ વાન લઈ આવેલી તસ્કર ટોળકી કેળાની 80 લૂમ ચોરી લીધી હતી. જો કે આ સમય દરમિયાન ખેતરમાં પહેરો ભરતા માલિક ત્યાં જઇ ચઢતાં તેઓ વચ્ચે બાથંબાથી થઇ અને બે ચોરટાઓ ઝડપાઇ ગયા હતા. જેમાં એક ચોર ફરાર થઈ ગયો હતો. ખેતર માલિકોએ રંગે હાથ ઝડપી પાડયા એ તસ્કરને ઉમલ્લા પોલીસને સોંપ્યા હતા.
મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના વેલુગામના નવા ફળિયામાં રહી ખેતી કરતા જીગ્નેશ રાજુલાલ શાહે તેમના ખેતરમાં કેળાનો પાક લીધો છે. જેઓ રાતે પોતાના ખેતરની દેખરેખ રાખી રહ્યા હતા. તે સમયે બનાના ચોર બોલેરો પીકઅપ ગાડી નં.GJ-16-AU-2176 લઈ કેળાની તસ્કરી કરવા ત્રાટકયા હતા. પિક અપ વાન ચાલક સમીર યાકુબભાઇ આગવાન તથા તેનો મજુર જુનેદ કાલુભાઇ હલદરવા બન્ને રહે.ઇન્દોર તા.ઝઘડીયા તેમજ તેમની સાથે અન્ય યુવાન આવ્યો હતો. જરો અંધારાનો લાભ લઇ ખેતરમાંથી કેળાની લુમો ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
જેમાંથી એક વ્યક્તિ અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. ખેતર માલિક જીજ્ઞેશભાઈના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાથી આશરે કેળની લુમ નંગ 70 જેની કિંમત ₹18000 તથા અન્ય ખેડૂત કિરણસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણના ખેતરમાંથી આશરે કેળ ની લુમ નંગ-10 ₹2500 મળી પીક અપ વાનમાં ભરી દીધી હતી. કેળની લુમ કુલ નંગ-80 ₹20,500ની ચોરી કરી બોલેરો પીકઅપની અંદર ભરી ને લઈ જતા ડ્રાઈવર સમીર યાકુબભાઇ આગવાન તથા જુનેદ કાલુભાઇ હલદરવાને ખેતર માલિકો દ્વારા રંગે હાથ પકડી પડવામાં આવ્યા હતા. ઉમલ્લા પોલીસે પીક અપ વાન, ચોરી કરેલી કેળાની લુમો સાથે બન્ને યુવાનોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.