જાહેરાતમાં સોના-ચાંદી-હીરાના આભૂષણોના બદલે ફળોમાંથી બનેલા આભૂષણોની ભેટ આપીને લોહતત્વથી ભરપૂર પદાર્થોનું સેવન કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે
મુંબઇ : દરેક મહિલાના જીવનમાં ગર્ભાવસ્થાનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો પણ જોવા મળતા હોય છે. સાથે જ તે સમય દરમિયાન અનેક પ્રકારની સાવધાની રાખવી પણ જરૂરી બની જાય છે. સ્વસ્થ જચ્ચા-બચ્ચા એ સૌની અપેક્ષા જ નહીં પ્રાયોરિટિ હોય છે. આ માટે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનો સમતોલ આહાર આપવા વિશેષ કાળજી રાખવી અનિવાર્ય હોય છે. આ માટે જાગૃતિ લાવતી એક જાહેરાત હાલ વાઇરલ થઇ છે. જાહેરાતમાં સોના-ચાંદી-હીરાના આભૂષણોના બદલે ફળોમાંથી બનેલા આભૂષણોની ભેટ આપીને લોહતત્વથી ભરપૂર પદાર્થોનું સેવન કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં અનેક વસ્તુઓની ઉણપ સર્જાય છે જેમાં આયરનની ઉણપનો પણ સમાવેશ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને આયરનની સૌથી વધારે જરૂર પડે છે. અનેક ભારતીય મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન આયરનની ઉણપની સમસ્યાથી પીડાતી હોય છે. આ કારણે મહિલા અને તેના બાળકના શરીર પર દુષ્પ્રભાવ જોવા મળે છે. આ સ્થિતિ ટાળવા માટે તબીબી સલાહ સૂચન અનુસાર આહાર વિહાર અનિવાર્ય થઇ પડે છે. ફળફળાદિનું સેવન બંને માટે લાભદાયી જણાવાય છે.
‘પ્રોજેક્ટ સ્ત્રીધન’એ આ મુદ્દે જાગૃત્તિ ફેલાવવાના ઉદ્દેશ્યથી એક વિજ્ઞાપન તૈયાર કર્યું છે. તેમાં ખોળો ભરવાની એટલે કે, ગોદ ભરાઈની વિધિ દર્શાવી છે. એડમાં વિધિ દરમિયાન સોના-ચાંદી કે હીરાના ઘરેણાંઓના બદલે શરીરમાં આયરનની ઉણપ પૂરી કરવા માટે આયરન સહિતના પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓના ઘરેણાં ભેટમાં આપતા હોવાનું દર્શાવાઈ રહ્યું છે.
આ જાહેરાત દ્વારા મહિલાઓના શરીરમાં લોહતત્વની જે ઉણપ સર્જાય છે તેના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જાહેરાતમાં દાડમ, ચેરી, મકાઈ સહિતના ફળ, અનાજ વગેરે દર્શાવીને મહિલાઓને આવા પદાર્થોનું સેવન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે.