સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આજે મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી છે. ગઈકાલે સલમાન ખાનને ધમકી મળી હતી કે તેને પણ સિદ્ધુ મુસેવાલાની જેમ મારી નાખવામાં આવશે.
આ પત્ર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના નામથી અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પત્ર રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાંથી મળ્યો હતો. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળ્યો હતો જ્યાં સલીમ મોર્નિંગ વોક પછી બેસવા જાય છે.
ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘સલિમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી થશે. આ મામલે મુંબઈની બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી હતી. પોલીસે આઈપીસીની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો હતો.
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી બધા જ સલમાન ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે. પોલીસ પણ હવે આ મામલે એલર્ટ મોડમાં છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આજે મુંબઈ પોલીસની ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ પહોંચી છે.
જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શેંગે સલમાનના ઘરે પહોંચ્યા હતા. જો કે પૂછપરછ બાદ તેઓ હવે સલમાનનું ઘર છોડી ગયા છે