અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ મહત્તમ નેતાઓને પોતાના પક્ષની માળામાં પરોવવા ભારે ઉઠાપટક કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ તેનું ઘરેલું સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. નબળી પડતી કોંગ્રેસમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય આમ આદમી પાર્ટી શોધી રહી છે. તેમાંય પંજાબમાં આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમરકસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકી મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી ગુજરાતે પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું છે. આ માળખાના પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશના તમામ હોદ્દાઓ, જિલ્લાના તમામ હોદ્દાઓ, તાલુકાના તમામ હોદ્દાઓ સહિતના તમામ પ્રકારના સેલ અને કમિટીના તમામ હોદ્દાઓ આજથી સમાપ્ત કર્યા છે. હવે પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે.
‘કેમ પ્રદેશ માળખાનું વિસર્જન કરવામાં આવ્યું ?’ના સવાલના જવાબમાં ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આજદિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતુ. ગુજરાતના ખૂણે-ખૂણે સુધી આપનો સંદેશ પહોંચાડવાનું હતુ પરંતુ હવે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બાથ ભીડવા માટે આ નવી વ્યૂહરચના સાથે નવું માળખું રજૂ કરાશે. ઈટાલિયાએ આ વ્યૂહરચનાને પાવર ફૂલ જણાવી હતી. આગામી ચૂંટણીની તૈયારીને કારણે સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નવી સંસ્થાની જાહેરાત કરવામાં આવશે.