**જવેલરી શોરૂમનાં કર્મચારીને ઘરે બોલાવી દોઢ કરોડનાં દાગીના લઈને ભાગેલી યુવાન પરિણિતા ગણતરીનાં કલાકોમાં ઝડપાઇ
હત્યા કેસમાં જેલવાસ ભોગવકાં પતિને છોડાવવા માટે પત્નીએ દોઢ કરોડના દાગીનાની લૂંટ કર્યાની અજીબો ગરીબ ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલા TBZના શોરૂમમાંથી ઘરેણાં લેવાનાં બહાને પરિણીતાએ શોરૂમ કર્મચારીને પોતાના બજરંગવાડીમાં આવેલા ઘરે બોલાવ્યો હતો. કર્મચારી ત્યાં પહોંચતા જ યુવતિ કુલ રૂ. 1.48 કરોડના સોનાના દાગીના ભરેલું બોક્સ આંચકી લઇ એ પરિણીતા પિતા-પુત્રની મદદથી કર્મચારીને ઘરમાં પુરી કારમાં ફરાર થઈ હતી. જો કે કર્મચારીએ તરત પોલીસને જાણ કરતા પોલીસે કલાકોમાં આ મુદ્દામાલ સાથે યુવતિને ઝડપી પાડી હતી.
પોલીસનાં જણાવ્યા મુજબ, TBZ શોરૂમનાં કર્મચારી વિશાલ લલિતભાઈ શુક્લે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપી તરીકે બીલ્કીસબેન તેના પિતા હનીફભાઈ સોઢા સાથે સગીર પુત્રનું નામ આપ્યું હતું. આથી પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી બીલ્કીસની ધરપકડ કરી છે. જ્યારે બાકી બંને પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં બિલ્કીસે તેના પિતા અને પુત્ર સાથે મળી આયોજીત કાવતરૂ રચી પોતાને શો-રૂમમાંથી બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.
એસીપીએ જણાવ્યા મુજબ, બિલ્કીસે TBZ શોરૂમનાં કર્મચારીને ઘરે બોલાવ્યા બાદ ગ્રાહકની જેમ દાગીના પસંદ કર્યા હતા. બાદમાં પસંદ પડેલા તમામ દાગીનાનું બોક્સ અંદર મુકવાનાં બહાને બીજા રૂમમાં ગઈ હતી. બાદમાં બિલ્કસના પિતા-પુત્રએ કર્મચારીને પકડી અને ધક્કો મારી બીજા રૂમમાં પુરી દીધો હતો. ત્યારબાદ ત્રણેય મકાનને તાળું મારી ક્રેટા કારમાં નાસી છૂટ્યા હતા. આ કાર નજીકનાં સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે કલાકોમાં જ બિલ્કીસને ઝડપી લીધી છે. અને સોનાનાં દાગીના જેમાં સોનાના બુટી સહિતના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાના 4 વીટી સહિત આ તમામનું વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત રૂ. 1,48,43,282નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક ઝઘડા દરમિયાન બિલ્કીસ અને તેના પતિ તેમજ પુત્રનાં હાથે એક હત્યા થઇ હતી. જો કે બાદમાં બિલ્કીસ અને તેનો પુત્ર તો જામીન પર છૂટી ગયા હતા. અને પતિ હજુપણ જેલમાં છે. આ દરમિયાન બિલ્કીસનાં તમામ ઘરેણાઓ વેંચાઈ ગયા હતા. એટલું જ નહીં પતિને છોડાવવા પણ તેને રૂપિયાની જરૂર હતી. પોતે હંમેશા TBZમાંથી ઘરેણાની ખરીદી કરતી હતી. અને શોરૂમ દ્વારા ઘરેબેઠા ઘરેણાની ખરીદી માટેની સુવિધા શરૂ કરવામાં આવતા પિતા-પુત્રી દ્વારા આ પ્લાન ઘડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.