સુરત: સમગ્ર દેશમાં 11 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આયોજીત આ અભિયાન માટે ટેક્સટાઇલ સિટી સુરત 10 કરોડ તિરંગા તૈયાર કરશે. આ મસમોટા જોબવર્ક માટે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ ભારે ઉત્સાહિત જણાય રહ્યો છે. આ માટે સુરતના ઉદ્યોગકારોએ ભીવંડીથી રોટા કાપડનો ઓર્ડર પણ આપી દીધો હોવાનું જાણવા મળે છે. સુરતમાં તૈયાર થયેલા તિરંગા સમગ્ર દેશમાં ઘરે ઘરે લહેરાશે એ સુરતીઓ માટે ગૌરવની બાબત બની રહેવાની છે.
મળતી માહિતી અનુસાર હર ઘર તિરંગા અભિયાન હેઢળ સમગ્ર દેશમાં – 72 કરોડ તિરંગાને એક સપ્તાહ સુધી લહેરાવવામાં આવશે. આ અભિયાનમાં પ્રત્યેક ભારતીય નાગરિક જોડાય એવા ટાર્ગેટ સાથે ભારત સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આવશ્યક એવા 72 કરોડ તિરંગા બનાવવાનું કામ કહો કે જવાબદારી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સોંપાયું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવ્યો છે. આ તિરંગા દેશના અલગ અલગ ખુણામાં મોકલવામાં આવશે. જે પૈકી 10 કરોડ તિરંગાનો ઓર્ડર સુરતના મિલ માલિકોને મળ્યો છે. નાના તિરંગાથી લઈને મોટા તિરંગા તૈયાર કરવાંમાં આવશે.
સાઉથ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ યુનિટ એસોસિએશનના પ્રમુખ જીતુ વાખારીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી અમને એપ્રોચ કરવામાં આવ્યું છે અને તિરંગા બનાવવા માટે અમે તૈયારી બતાવી છે. આશરે 10 કરોડ તિરંગા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ બનાવશે. જેના કોસ્ટીગ મુજબ દરેક મિલ માલિકોને રૂપિયા ચુકવવામાં આવશે. આ સાથોસાથ આ તિરંગાનું કપડું ભીવડીથી મંગાવવામાં આવ્યું છે જે કાપડ રોટા કાપડ તરીકે ઓળખાય છે.
વખારિયાએ વધુંમાં જણાવ્યું હતું કે, 26 મી જુલાઈ સુધી આ 10 કરોડ તિરંગા તૈયાર કરી દેવામાં આવે તેવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મિલ માલિકો દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંદાજીત 5 જેટલી મિલો આ તિરંગા તૈયાર કરશે. બાદમાં આ તિરંગા ને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવશે. તિરંગામાં કોઈ પણ પ્રકારની ખામી નહીં રહી જાય આ માટે અમે તકેદારી લઈ રહ્યા છીએ પ્રિન્ટિંગથી લઈ ફેબ્રિક સુધી માટે તમામ બારીકાઈથી ધ્યાન આપી રહ્યા છે. તિરંગો આપણા દેશની આન બાન શાન છે. દરેક ભારતીય ગર્વભેર તિરંગાને જુએ છે, તેનું સન્માન કરે છે. દેશભરના ઘર ઉપર એક સાથે તિરંગા લહેરાય અને આ ક્ષણ માટે સુરત ચાવીરૂપ ભૂમિકા ભજવે એ માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ નહીં દરેક સુરતી માટે આનંદ, ગૌરવની બાબત છે.