** દરગાહ સામે લોબાન વેચતાં યુવકે કમર અને છાતી પર હાથ ફેરવી જાતીય સતામણી કરતાં હોબાળો
**તુ કોઇ હીરોઇન હૈ કી, મેરે મરદ તેરે પે હાથ ડાલે એમ કહી મહિલાએ હુમલો કરી બુરખો ફાડી નાંખ્યો
સુરત, તા.16 માર્ચ…
શહેરના બડેખા ચકલા વિસ્તારની ખ્વાજા દાના દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની પરિણીતા જાતીય સતામણીનો શિકાર બની હતી. દરગાહ સામે લોબાન ખરીદવા ગયેલી પરિણીતાને તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ એમ કહી છેડતી કરાઇ હતી. દુકાનદારે કમર તથા છાતીના ભાગે હાથ ફેરવતાં પરિણીતાએ હલ્લો કર્યો તો અન્ય મહિલા ત્યાં આવી અને તુ ક્યા હીરોઇન હૈ કી મેરે મરદ તેરે પે હાથ ડાલેંગે એમ કહી ધમકાવતાં તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અઠવાલાઇન્સ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતા નગ્મા શેખ 14મી માર્ચે સુરત આવી હતી. બડેખા ચકલા વિસ્તારની પ્રસિધ્ધ ખ્વાજા દાના દરગાહે ચાદર ચઢાવવા માટે તે પહોંચી હતી. જો કે અહીં તેણીને કહેવાયું હતું કે દરગાહ ત્રણ વાગ્યે ખુલશે. પોતાની પાસે સમય હોવાથી નગ્મા દરગાહ પાસે આવેલી ફૈઝ એ દાના નામની દુકાનમાં લોબાન ખરીદવા માટે ગઇ હતી. દુકાનમાં હાજર પુરુષ તેણીને જુદી જુદી વસ્તુઓ બતાવતો હતો.

આ દરમિયાન તેણે પૂછ્યું કે તુમ મહારાષ્ટ્ર કી રહેને વાલી હો. નગ્માએ હા પાડતા તેણે તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ એવી કોમેન્ટ કરી હતી. નગ્મા કંઇ સમજે એ પહેલા તો દુકાનદાર તેની પાછળ આવ્યો અને તેણીના કમર તથા છાતીના ભાગે હાથ ફેરવવા માંડ્યો હતો. આ જોઈ નગ્મા ઝડપથી દુકાનની બહાર નીકળી હું હમણાં પોલીસને લઈ આવું છું એમ કહેતાં એ પુરુષ દુકાનનું શટર પાડી નાસી છૂટ્યો હતો.

આ દરમિયાન ત્યાં ટોળું એકઠું થઈ હતું. નગ્માએ પોતાની આપવીતી કહી રહી હતી ત્યાં જ ત્રણ મહિલા ત્યાં આવી હતી. જે પૈકી એક મહિલાએ નગ્માએ કહ્યું કે તું કોઇ હીરોઇન દીખ રહી હૈ, કી મેરા મરદ તેરે પે હાથ ડાલે. આવી વાતો કરી એ મહિલાએ નગ્મા સાથે ઝપાઝપી કરવા માંડી હતી. તેની સાથે આવેલી અન્ય બે મહિલાઓ પણ તૂટી પડી અને નગ્માનો બુરખો ફાડી નાંખ્યો હતો.
મહિલાઓએ નગ્માને ઘેરી લીધી અને તેને ઢીક મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન નગ્માએ પોલીસ કંટ્રોલમાં કોલ કરી દેતા પીસીઆર વાન ત્યાં પહોંચી ગઇ હતી. નગ્માએ દુકાનદાર તથા ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાજ લેવાના ઇરાદે છેડતી અને મારવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.