જયપુર, 06 જુલાઈ…
મહંમદ પયંગબર અંગે આપત્તિજનક ટીપ્પણી કરનાર નૂપુર શર્માનું સમર્થન કરવાના વિવાદમાં ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ આતંકી ઘટના કહો કે મર્ડર કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ આ ઘૃણાસ્પદ કાવતરાના નવા નવા રહસ્ય સામે આવી રહ્યા છે. તપાસમાં હવે સામે આવ્યું છે કે, જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી એ જ દિવસે વધુ બે લોકોની તાલિબાની રીતે હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ તે બંને લોકોની યોગ્ય રીતે રેકી ન થવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. તે બંને લોકોની હત્યા માટે 4 અન્ય લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલાની તપાસ NIA કરી રહી છે.
કન્હૈયાલાલની હત્યાના ષડયંત્રને મોટું રૂપ આપવાની તૈયારી હતી. તેના માટે એક જ દિવસમાં 3 લોકોની તાલિબાની રીતે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરાખોરો રેકી કરીને કન્હૈયાલાલની હત્યા કરવામાં સફળ થયા હતા પરંતુ અન્ય બે લોકોની યોગ્ય રેકીના અભાવે તેમના ઈરાદા પૂર્ણ થઈ શક્યા નહીં અને બે લોકોના જીવ બચી ગયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે, નૂપુર શર્માને લઈને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કર્યા બાદ આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 17 જૂનના રોજ હત્યાના ષડયંત્રને લઈને કાવતરાખોરોએ બેઠક કરી હતી. ત્યારબાદ 20 જૂનના રોજ ઉદયપુર કલેક્ટ્રેટ પર નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને 28 જૂનના રોજ આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો.