જયપુર, 07 જુલાઈ
મહંમદ પયંગબર અંગે કથિત આપત્તી જનક ટિપ્પણી કરનારા નૂપુર શર્માના સમર્થનમાં ભૂલથી થયેલી એક પોસ્ટના ઉદેપુરના કન્હૈયાલાલની ગળુ કાપી હત્યા કરાઇ હતી. જેહાદી હત્યાનો ભોગ બનેલા કન્હૈયાલાલની પત્નીના ખાતામાં ભાજપા નેતા કપિલ મિશ્રાએ 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. કપિલ મિશ્રાએ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા આ નાણાં એકત્ર કર્યા હતા. કપિલે બુધવારે સાંજે ટ્વીટ પર એક સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે, તેમણે કન્હૈયાલાલના પત્નીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દીધી છે. આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કન્હૈયાના પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.
કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે, કન્હૈયાલાલજીના ધર્મ પત્નીના ખાતામાં તમારા દ્વારા આપવામાં આવેલા 1 કરોડ રૂપિયા પહોંચી ગયા છે. ટ્વીટ સાથે આપવામાં આવેલા સ્ક્રીનશોટ પ્રમાણે 6 જુલાઈના રોજ પહેલા 50,00,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અને ફરી 49,98,889 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસોમાં કપિલ મિશ્રાએ કન્હૈયાલાલના ઘરે જઈને પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી.
28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ કપિલ મિશ્રાએ તેમના પરિવારની મદદ માટે ઓનલાઈન ક્રાઉડ ફન્ડિંગની શરૂઆત કરી હતી. તેમણે 30 દિવસમાં 1 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ 24 કલાકમાં જ આ રકમ એકત્રિત થઈ જવા પર તેમણે ટાર્ગેટને વધારીને 1.25 કરોડ રૂપિયા કરી દીધા અને કહ્યું કે, કન્હૈયાલાલને બચાવવાના પ્રયત્નમાં ઘાયલ થયેલા ઈશ્વર સિંહના પરિવારને પણ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. કપિલ મિશ્રાની વિનંતી પર કુલ 1.7 કરોડ રૂપિયાની રકમ એકત્રિત થઈ છે.
*ઉમેશ કોલ્હેના પરિવારની પણ કરાશે મદદ
કપિલ મિશ્રાએ મહારાષ્ટ્રના અમરાવતીમાં નૂપુર શર્માના સમર્થનને કારણે હત્યા કરી દેવામાં આવેલ ઉમેશ કોલ્હેના પરિવારની પણ મદદ કરવાનું એલાન કર્યું છે. તેમણે ગુરૂવારે અમરાવતી જઈને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, કાલે અમરાવતીમાં ઉમેશ કોલ્હેજીના પરિવાર સાથે મળીશ. અમે તેમના પરિવારને 30 લાખ રૂપિયાની સહાયતા આપી રહ્યા છીએ અને કાયદાકીય લડાઈમાં પણ સાથે ઊભા રહીશું.