ઉદ્ધવ ઠાકરેના CM પદેથી રાજીનામાને લઇને એક વિશેષ બાબત એ છે કે, સોશિયલ મીડિયા (facebook) ના માધ્યમ થકી CM પદેથી રાજીનામું આપનાર ઉદ્ધવ ઠાકરે દેશના બીજા મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ 1 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે પણ ગુજરાતના CM પદેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી રાજીનામું આપ્યું હતું.
ગુજરાત ભાજપના કદાવર નેતા આનંદીબેન પટેલ કે જેઓ હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતની ગાદી સંભાળી હતી. ત્યારથી આનંદીબેન પટેલ મોદીની કેબિનેટનો હિસ્સો હતા. આનંદીબેન પટેલ કે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય હતા અને ગુજરાત સરકારમાં મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલ 1998માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને એ જ વર્ષે તેઓ મોદી કેબિનેટનો ભાગ બન્યા હતા. વ્યવસાયે શાળા શિક્ષિકા આનંદીબેન પટેલ નોકરી છોડીને 1985માં ભાજપમાં જોડાયા હતા.
તેઓએ 1998થી 2007 સુધી ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે, શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં તેઓ 2007થી 2014 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યાં હતાં.
બાદમાં 2016માં 1 ઓગસ્ટના રોજ એકાએક આનંદીબેન પટેલે ફેસબુક પર ‘મને મુખ્યમંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરો’ એવી પોસ્ટ મૂકતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, ત્યાર બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં તેઓનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો માર્ગ મોકળો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઇવ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને છોડવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેઓએ વિધાન પરિષદમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી. આથી આજે તેઓએ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.