મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદથી તાપી અને નર્મદા નદીમાં ભારે નીર આવ્યા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી આવતા પાણીને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ચૂક્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા સાથે ઉપરવાસમાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણોસર તાપી બે કાંઠે વહેતી થઇ છે. તાપીનું જળ સ્તર વધતાં પાલિકા તંત્રએ કેટલાક ફ્લડ ગેટ બંધ કરવાની ફરજ પણ પડી હતી. રાંદેરનો ફલડગેટ બંધ કરાતાં મોરાભાગળ વિસ્તારમાં ગટરના પાણી બેક માર્યા અને રસ્તા ઉપર વહેવા માંડતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
ઉપરવાસમાં સતત વરસાદના કારણે વધતી જળસપાટીને ધ્યાને રાખી હથનૂર ડેમમાંથી સતત બે દિવસથી પાણી છોડવામાં આવતાં આજે સવારે 11 કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલને વટાવી ગઈ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ નિર્ધારિત કરાયેલું છે. જ્યારે જળ સપાટી 333.28 ફૂટ ને પાર કરી જતા ડેમમાંથી 1.99 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ નદી કિનારે નીચાણવાળા વિસ્તારોના કાચા મકાનોમાં પાણી ઘુસી જતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી હતી.
ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ, આજે સવારે 11 વાગ્યે ઉકાઈમાં નવા પાણીની આવક ૨.૫૭ લાખ ક્યુસેક નોંધાઈ હતી. તેની સામે ડેમમાંથી 1.99 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે 6 વાગ્યે ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક 3 લાખ ક્યુસેક નોંધાઈ હતી અને જળ સપાટી 333.15 ફૂટ હતી.
આજે સવારે હથનૂર ડેમમાં પાણીની આવક ઘટી ગઈ છે. છતાં ડેમમાંથી તાપી નદીમાં 1.41 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનૂરમાંથી તાપી નદીમાં છોડાતા પાણીની માત્રામાં ઘટાડો કરાયો છે છતાં આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક 2,57,988 ક્યુસેક નોંધાઈ છે અને ઉકાઈ ડેમમાંથી 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.