ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતેના વિશેષ સમારોહમાં પોલીસની e-FIR સેવાનો આરંભ કરાવ્યો હતો. આ સાથે જ સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ હેઠળ સેવા પણ શરૂ કરાઈ હતી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ગૃહમંત્રી અમિત શાહે E FIR સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ‘ત્રિનેત્ર’ યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે. પોલીસ આધુનિક અને ટેકનોસેવી બની છે. પોલીસ સંવેદનશીલ પણ બની છે. ભવનથી પરિણામ આવતા નથી પરંતુ ભવનની અંદર ભાવના નાખવાની જરૂર છે. યાત્રાધામ, બંદરના કેમેરા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પરના કેમેરાને પણ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે. ફક્ત સાત હજાર કેમેરાથી સિમિત ન રાખવું જોઇએ. દેશના 96 ટકા પોલીસ સ્ટેશનને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે.
શાહે કહ્યું કે ગુજરાત પોલીસની ગાથા પુસ્તક લખવા જેવી છે. ટૂંકા ગાળામાં ગુજરાત પોલીસમાં ઘણો ફેરફાર થયો છે. પોરબંદરનો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો. દાણચોરી કરવાની ચેનલો બંધ થઇ ગઇ છે. એક સમય એવો પણ હતો કે, અમદાવાદમાં 200 દિવસ કર્ફ્યુ રહ્યાની ઘટના પણ બની હતી. પરંતુ 2002 બાદ રાજયમાં કર્ફ્યુની ઘટનાઓ એકલ દોકલ બની છે. 365 માંથી 212 દિવસ બેંકમાં ક્લિયરિંગ ના થયું હોય તેવું અમદાવાદ શહેર હતું. 1984 માં હું પોરબંદર ગયો ત્યારે ત્યાં બોર્ડ હતું કે, ‘કાયદો વ્યવસ્થાની હદ પુરી થઇ છે અને પોરબંદર શરૂ થાય છે’ આ સ્થિતિ હતી. દેશ વિરોધી તત્વોએ રાજય બદલી નાંખ્યાના અનેક ઉદાહરણો છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ કઠોરતાથી સમાજના દુશ્મનો સામે પગલાં ભર્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યુ કે, ગુજરાત પોલીસ હંમેશા દેશભરમાં આગળ રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે.
વધુમાં અમિત શાહે કહ્યું કે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક ઘટના છે. આઝાદી બાદ પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તે ગૌરવની વાત છે. ફક્ત શબ્દોના સાથીયા પુરવાથી આદિવાસીઓનો વિકાસ ન થાય. દ્રૌપદી મુર્મૂ નું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક ઘટના છે. એકદમ સામાન્ય પરિવાર અને આદિવાસી સમાજમાંથી એક મહિલા રાષ્ટ્રપતિ બને તે ખૂબ મોટી વાત છે. દ્રૌપદી મુર્મૂ જે સમાજમાંથી આવ્યા ત્યાં હજુ પણ ઘણા લોકોને ખબર નથી કે એ શું બન્યા. આદિવાસી હિતોની વાત કરનારા લોકોને આ જવાબ છે.
હર ઘર તિરંગા અભિયાન અંગે વાત કરતાં શાહે કહ્યું કે પોતાના ઘર પર તિરંગો ફરકાવી રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિમાં જોડાવું જોઇએ. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વધુ સુરક્ષિત થયાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, વરસાદની આપદામાં પણ ગુજરાત પોલીસ ખડેપગે રહી છે.