*નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ લીધી મુલાકાત: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિ
સુરત: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી સતિષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.

રેલવેમંત્રીશ્રીએ નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ પ્રસંગે રેલવે મંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો હતો, તેઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો ‘વન નેશન, વન રેશન’ યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું. તેમણે સૌ શ્રમિકોને કોરોના વેક્સિન ન મૂકાવી હોય તો સત્વરે મૂકાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એલ.એન્ડ ટી.ના એન્વાયરો., હેલ્થ અને સેફ્ટીના હેડ નાઈઝલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.