દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેલના ભાવમાં થોડો ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત થાય છે. ઇંધણની ખપત સાથે તેનાથી ઉત્પન્ન થતાં પ્રદૂષણને પણ મોટી કહો કે ગંભીર સમસ્યા સાથે લેખાવાઇ રહ્યા છે. આ કારણોસર જ પેટ્રોલ-ડિઝલના સ્થાને ગેસ અને ઇલેક્ટ્રિક વ્હીકલનો વિકલ્પ અપનાવવા ચોક્કસ નિતી ઘડી અપીલ પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે મોટો દાવો કરતા કહ્યું છે કે ભારતમાં આવતા 5 વર્ષમાં પેટ્રોલ ખતમ થઈ જશે અને આવી સ્થિતિમાં તેના પર પ્રતિબંધ લગાવી શકાય છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે અકોલામાં ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના 36માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને અહીં નીતિન ગડકરીને કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટર ઑફ સાયન્સ’ની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ભગતસિંહ કોશ્યારીએ કરી હતી. અહીં નીતિન ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં બનેલા બાયો-ઇથેનોલનો ઉપયોગ વાહનોમાં થઈ રહ્યો છે. કૂવાના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવી શકાય છે અને તેને 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં પેટ્રોલ ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં કોઈ પણ ખેડૂત માત્ર ઘઉં, ચોખા, મકાઈનું વાવેતર કરીને પોતાનું ભવિષ્ય બદલી શકે નહીં. ગડકરીએ કહ્યું કે ખેડૂતોએ માત્ર અન્નદાતા જ નહીં પરંતુ ઉર્જા પ્રદાતા પણ બનવું પડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલ પરના નિર્ણયથી દેશના 20,000 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે.
આગામી થોડા વર્ષોમાં 2-વ્હીલર અને 4-વ્હીલર ગ્રીન હવે હાઇડ્રોજન, ઇથેનોલ અને CNG પર ચાલશે. ગડકરીએ કહ્યું કે વિદર્ભથી બાંગ્લાદેશમાં કપાસની નિકાસ કરવાની યોજના છે, જેમાં યુનિવર્સિટીઓના સહકારની જરૂર છે. વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે યુનિવર્સિટી ઘણું કરી શકે છે.