નવસારી : વલસાડ અને નવસારી જિલ્લો પૂરની અસાધારણ સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ બંને જિલ્લામાં નદીઓમાં આવેલા પુરને લઇ ચોમેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. એક જ રાતમાં નવસારીના વાંસદામાં આભ ફાટ્યું છે. વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 394 મિમી વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. વાંસદામાં 24 કલાકમાં 15.76 ઇંચ વરસાદ નોંધાતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીની નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. જિલ્લામાં પૂરની સ્થિતિને જોતા બે NDRF ની ટીમ કાર્યરત કરાઈ છે. વાંસદાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર આસપાસ પાણી જ પાણી દેખાયા છે. વાંસદા સહિત ઉપરવામાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે ઉનાઈ યાત્રાધામમાં પાણી ભરાયા છે. ઉનાઈ ગામના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા માઇભક્તોને હાલાકી પડી રહી છે.

વલસાડ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સાડા 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ધરમપુરમાં સાડા 13, ઉમરગામમાં સાડા 8, વાપીમાં સાડા દસ, પારડીમાં સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને વલસાડ ઔરંગા નદીની આજુબાજુના ગામોને એલર્ટ કરાયા છે. 350થી વધુ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે.
ભારે વરસાદને પગલે પૂર્ણાં નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ડોલવણ તાલુકાના આંબાપાણી ગામે આવેલ ઇકો ટુરીઝમ પોઇન્ટમાં પૂર્ણાં નદીના પાણી ઘુસ્યા હતા. આ સાથે જ ડાંગના ભેંસકાતરી પુલ પરથી પૂર્ણાં નદીના પાણી ફરી વળ્યા છે. આંબાપાણી ગામ નજીકથી પૂર્ણાં નદીમાં અચાનક જળસ્તર વધ્યું છે. જેથી બુધવારે સાંજના સમયે 10 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. 10 વ્યક્તિને નદીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટી 25 ફુટ ઉપરથી વટીને 27 ફુટ પર વહી રહી છે. એટલુ જ નહી, વહેલી સવારથી નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે. બપોરે સાડા બાર વાગ્યે દરિયામાં ભરતી આવવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.
નવસારીના દાંડીવાડ વિસ્તારમાં પૂર્ણા નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દાંડીવાડ વિસ્તારમાં 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનો ડૂબી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેરમાં સિટી બસ સેવા બંધ કરાઇ છે. નવસારી શહેરના કાલિયાવાડી, ભેંસત ખાડા, મહાવીર સોસાયટી, રંગુનનગર, કાશીવાડી, બંદર રોડ, શાંતાદેવી રોડ, ગધેવન મહોલ્લો, કબીરપોર, ઠક્કરબાપાનગર, મિથિલા નગરીમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અત્યાર સુધીમાં ચાર હજારતી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો પૂરના પ્રકોપમાં 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીની જળસપાટી વધતાની સાથે જ નવસારીની મહાવીર સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે.. મહાવીર સોસાયટીમાં 750 જેટલા મકાનો આવેલા છે. જેમાં એક હજારથી વધુ લોકો રહે છે.. ત્યારે પૂરના પાણી સોસાયટીમાં ઘુસવાથી અનેક લોકોને પોતાના મકાનના પહેલા માળે રહેવા જવા માટે અપીલ કરવામાં આવી છે.

કાલિયાવાડીથી જલારામ મંદિર, દેસાઈવાડ, કાછિયાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. નવસારીના ભેંસતખાડા વિસ્તારની પણ કંઈક આવી જ હાલત છે. ભેંસતખાડા વિસ્તારમાં પાંચ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ઉપસડ ગામમાં પણ ઘરોમાં પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાંસદા તાલુકા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપસડ ગામના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ઉપસડ ગામના મુખ્ય ફળિયાના ઘરોમાં ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા ઘરવખરીના સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.