વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બનાવટ અને સજાવટ જ નહીં પરંતુ સામાજિક કે વ્યક્તિગત વ્યવહારો બાબતે પણ કેટલાક સૂચનો કરાયા છે, માર્ગદર્શન અપાયુ છે. ઘણા લોકોને માંગીને વસ્તુઓ પહેરવાની અથવા વાપરવાની આદત હોય છે. તેઓ ખચકાટ વિના અન્યની વસ્તુઓ લે છે જે યોગ્ય નથી. વાસ્તુ અનુસાર, અન્ય લોકો પાસેથી માંગેલી વસ્તુઓમાંથી નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારે થોડા સમય પછી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ આદતના શિકાર છો, તો આજે જ તેનાથી દૂર રહો, કારણ કે તે તમને એવી મુશ્કેલીમાં મૂકી શકે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે વાસ્તુ અનુસાર કઈ એવી વસ્તુઓ છે, જેને ઉધાર લેવાથી બચવું જોઈએ.
દાગીના : ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ ડ્રેસ સાથે મેચ કરવાની લાલચમાં આવીને અન્યના ઘરેણાં પહેરે છે. વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી સ્વાસ્થ્ય તો બગડે જ છે પરંતુ ગ્રહોની સ્થિતિ પર પણ અસર પડે છે.
પુસ્તકો : પુસ્તકો ક્યારેય માંગીને લેવા જોઇએ નહીં અને વાંચવા માટે કોઈને આપવા જોઈએ નહીં. જો તમે આ કરો છો તો તમે તમારું જ્ઞાન બીજાને આપો છો. પુસ્તકને જ્ઞાન અને શાણપણનું વાહક માનવામાં આવે છે, તેથી તમારું જ્ઞાન તમારી પાસે રાખો.
ફૂટવેર : ક્યારેય બીજાના જૂતા અને ચપ્પલ માંગીને ના પહેરો, કારણ કે બીજાના જૂતા અને ચપ્પલ તમારા જીવનને ગરીબી તરફ ધકેલે છે, જેના કારણે તમને નકારાત્મક ઉર્જા મળે છે. આટલું જ નહીં, આનાથી તમે બીજાની બધી પરેશાનીઓ પોતાના માથે લેશો.
કાંસકો : ક્યારેય બીજાના કાંસકાનો ઉપયોગ કરશો નહીં. આવું કરવું સ્વાસ્થ્ય અને ભાગ્ય માટે સારુ નથી. બીજાના કાંસકાનો ઉપયોગ કરવાથી તમને માથા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને તમારા નસીબ પર પણ વિપરીત અસર પડે છે.
પથારી : ઘણી વખત લોકો સૂવા માટે બીજાના પલંગનો ઉપયોગ કરે છે જે યોગ્ય નથી. કોઈનો પલંગ ઉધાર ન લો. બીજાના પલંગ પર સૂવાથી વાસ્તુ દોષ થાય છે અને આર્થિક મુશ્કેલી અને કષ્ટો આવે છે.
મીઠું : સૂર્યાસ્ત પછી ક્યારેય કોઈની પાસેથી મીઠું ઉધાર લેવું નહીં કે કોઈને આપવું નહીં. જો કોઈ તમારી પાસે મીઠું માંગવા આવે, તો ના પાડો. કારણ કે મીઠું ઉધાર આપવાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે.
લગ્ન માટે પૈસા : લગ્ન કરવા માટે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા જોઇએ નહીં. કારણ કે આમ કરવાથી આર્થિક દેવાની સાથે સાથે વૈવાહિક જીવનમાં પણ ખરાબ અસર પડે છે. તો પૈસાની વ્યવસ્થા જાતે જ કરવી જોઇએ.