સુરત, તા.17 ફેબ્રૂઆરી
શહેરના વેસુ કેનાલ રોડ પર આવેલી બહુચર્ચિત વિજય પાન નામની દુકાનમાં વધું એક વખત એસઓજીએ દરોડો પાડી ઇ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. ગલ્લામાંથી 1.29 લાખની જ્યારે તેના ઘરેથી પાંચ લાખથી વધું કિંમતની ઇ સિગારેટ મળી આવી હતી.
સ્પેશ્યલ ઓપરેશન ગૃપના ઇન્સ્પેકટર એ. પી. ચૌધરીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન સુરત સિટિ અભિયાન હેઠળ શહેરમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અંગે માહિતી મેળવી કાર્યવાહી માટે પોલીસ કમિશનર અજય તોમરે વિશેષ સૂચના આપી હતી. આ દિશામાં કાર્યવાહી કરતા સ્ટાફ દ્વારા સતર્ક રહી આવી પ્રવૃતિઓ કરનારાઓનું સતત ચેકિંગ સાથે તેમની ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન એએસઆઇ ઇમ્તિયાઝ મન્સૂરી તથા જગ્શી શાંતિલાલને મળેલી બાતમીના આધારે વેસુ કેનાલ રોડ પર સ્વસ્તિક રેસીડન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલી વિજય પાન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. માલિક વિજય બાબાપ્રસાદ ચોરસિયાને અટકાયતમાં લઇ ગલ્લાની તપાસ કરાતાં તેમાંથી જુદી જુદી કંપની અને જુદા જુદા ફ્લેવરની 43 ઇ સિગારેટ મળી આવી હતી. 1.29 લાખ કિંમતની ઇ-સિગારેટ કબજે લઇ વિજય ચોરસિયા સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

*** પોલીસે રેડ કરી ત્યારે સ્કૂલ બોય ઇ-સિગારેટ ખરીદવા ઉભો હતો
એસઓજી પાસે મળતી માહિતી અનુસાર વિજય પાન આ વિસ્તારની નામચીન દુકાન છે. અહીં ઈમ્પોર્ટેડ અને પ્રતિબંધિત સિગારેટ મળતી હોવાથી યુવાઓ ત્યાં વધું જાય છે. આ દુકાનનો માલિક વિજય ચોરસિયા મહિના અગાઉ પણ પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતાં ઝડપાયો હતો. બુધવારે એસઓજીએ આ દુકાનમાં દરોડો પાડ્યો ત્યારે એક સ્કૂલ બોય ત્યાં ઇ સિગારેટ ખરીદવા ઉભો હતો. નોંધનીય છે કે વિજય પાન વેસુ પોલીસ મથકની માંડ સો ફલાંગ અંતરે છે.

** ઘરને બનાવ્યું હતું ગોડાઉન
ગલ્લે 1.29 લાખની ઇ-સિગારેટ મળવાના કેસમાં જામીન પર છૂટેલો વિજય ચોરસિયા બમરોલી રોડ પર પોલીસ કોલોનીની બાજુમાં આવેલા ઈશ્વર નગરમાં તેના ઘરે પહોંચ્યો હતો. તેણે ઇ-સિગારેટનો મોટો જથ્થો ઘરે પણ છૂપાવેલો હતો. આ જથ્થો તે વગે કરી રહ્યો હોવાની બાતમી ફરી એસઓજીને મળી હતી. એસઓજીની ટીમ તુરંત વિજય ચોરસિયાના ઘરે ધસી ગઇ હતી. અહીંથી વિજય ચોરસિયા 184 જેટલી ઇ સિગારેટ સાથે ઝડપાઈ ગયો હતો. પાંચ લાખ જેટલી કિંમતની આ ઇ સિગારેટ ગેરકાયદે રાખવા અંગે એસઓજીએ પાંડેસરા પોલીસ મથકમાં બીજો ગુનો નોંધાવ્યો હતો.