મુંબઈ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી જે નાલેશી જનક સ્થિતિમાં રાજીનામું આપ્યું એ ટિકા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે. શિવસેનાની વર્તમાન સ્થિતિ અને રાજકીય ધટનાક્રમો વચ્ચે રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે. રાજ ઠાકરેએ લખ્યું છે કે, ‘જે દિવસે માણસ પોતાના સૌભાગ્યને જ પોતાની આગવી સિદ્ધિ માનવા લાગે તે દિવસથી તેના પતનનો પ્રવાસ શરૂ થાય છે’. એટલું જ નહી, આ પંક્તિ નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર નોંધાયેલા છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધુરી ઈનિંગ્સ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલી વખત છે કે રાજ ઠાકરે તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય.
રાજ ઠાકરેએ બુધવારે એલાન કર્યું હતું કે, સદન ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર ધારાસભ્ય ભાજપને સમર્થન કરશે. સ્પષ્ટ છે કે, સરકાર ગઠન માટે ભાજપના દાવામાં તેમના ધારાસભ્યોનું નામ સામેલ થશે. આ દરમિયાન તેમના આ ટ્વીટને ઠાકરે પરિવારમાં ચાલી રહેલા યુદ્ધના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ આકરી ટીકા કરતા સાંસદ નવનીત રાણાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, તેઓ છેલ્લા સમય સુધી લાલચમાં રહ્યા બાકી તેમને રાજીનામું ત્યારે આપી દેવાનું હતું જ્યારે 40 ધારાસભ્યો છોડીને ગયા હતા. નવનીત રાણાએ કહ્યું હતું કે, શિવસેના બાલાસાહેબ ઠાકરેએ બનાવી હતી પરંતુ ઉદ્ધવ ઠાકરેએ 56 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે.