કર્ણાટકના કારવાર બંદર પર તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં આગ લાગી હતી. યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં બુધવારે મોડી સાંજે આગ લાગી હતી. નૌકાદળના યુદ્ધ જહાજમાં આગ લાગવાની ઘટનાના થોડા સમય બાદ તેને કાબૂમાં લેવામાં આવી હતી.
નેવીએ કહ્યું કે જહાજમાં સવાર તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આગ લાગ્યા બાદ જહાજના કર્મચારીઓએ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.
ભારતીય નૌકાદળનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય વિશ્વના 10 સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર્સમાં સામેલ છે. તે 283.5 મીટર લાંબુ છે. તેનું બીમ 61 મીટર છે. તે કિવ-ક્લાસ મોડિફાઇડ એરક્રાફ્ટ કેરિયર છે. જેને વર્ષ 2013માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.
અગાઉ તેણે સોવિયેત નેવી અને પછી રશિયન નેવી માટે સેવા આપી છે. તેનું વિસ્થાપન 45,400 ટન છે. આ જહાજ પર 36 ફાઈટર એરક્રાફ્ટ તૈનાત કરી શકાય છે. જેમાં 26 મિકોયાન મિગ-29K મલ્ટી-રોલ ફાઇટર અને કામોવ Ka-31 AEW&C અને Kamov Ka-28 ASW હેલિકોપ્ટર સામેલ છે.
નેવીના યુદ્ધ જહાજમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ નૌકાદળના યુદ્ધ જહાજમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા 8 મે 2021ના રોજ INS વિક્રમાદિત્યમાં આગ લાગી હતી. તે સમયે ભારતીય નૌકાદળ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ એક નાની આગ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.
આવી જ એક ઘટના 30 માર્ચ 2022 ના રોજ બની હતી, જ્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS ત્રિકંડમાં મુંબઈમાં આગ લાગી હતી. યુદ્ધ જહાજ INS ત્રિકંડમાં સાંજે 5 વાગ્યે આગ લાગી હતી. નૌકાદળના યુદ્ધ જહાજમાં આગ લાગ્યા બાદ તરત જ એલર્ટ વોચ કીપર્સ દ્વારા મશીનરીના ડબ્બામાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
રાહતની વાત એ છે કે યુદ્ધ જહાજ INS ત્રિકંડમાં લાગેલી આગમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયો નથી. ભારતીય નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે INS ત્રિકાંડમાં લાગેલી આગને કાબૂમાં લીધા બાદ જહાજની તમામ પ્રણાલીઓને ફરીથી સક્રિય કરી દેવામાં આવી છે.