ચીન પોતાની અજીબોગરીબ શોધ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંની ખાણી-પીણી તો તોબા પોકારાવે એવી છે. કલ્પના પણ ન કરી હોય એવા જીવ-જંતુ, જાનવરોએ ખૂબ જ અજીબોગરીબ રીતે ખાવામાં ચીનીઓ જાણીતા છે. સાપથી માંડી વંદા સુધી, કૂતરાથી લઇ સૂવર સુધી અહીં બધુ જ રંધાય છે, ખવાય છે. ચીનમાં તમને દરેક પ્રકારનો સામાન મળશે અને તમે તેનો વિકલ્પ અહીં સરળતાથી મેળવી શકો છો. તેમની ઘણી શોધ વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની છે. હવે ચીનનો એક આઈસ્ક્રીમ ચર્ચામાં છે. કારણ કે તે મેલ્ટ-પ્રૂફ આઈસ્ક્રીમ છે. એટલે કે આ આઈસ્ક્રીમ ગરમીમાં રાખ્યા પછી પણ તે પીગળે નહીં.
ડેઈલી મેઈલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ‘Hermes of ice cream’ નામની ચાઈનીઝ બ્રાન્ડે ‘Chicecream’ નામનો આઈસ્ક્રીમ બનાવ્યો છે જેને ચાઈનીઝ ભાષામાં ‘Zhong Xue Gao’ કહેવામાં આવે છે. વિચિત્ર આઈસ્ક્રીમ ક્યારેય ઓગળતો નથી. હવે સોશિયલ મીડિયા પર આ આઈસ્ક્રીમની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રીતે જ્યાં લોકો તેને એક અદ્ભુત શોધ માની રહ્યા છે તો બીજી તરફ આ આઈસ્ક્રીમ ખાવાથી માનવ શરીર પર થતી આડ અસર વિશે પણ લોકો વિચારી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આઈસ્ક્રીમ ઓગળવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. કેટલાક વીડિયોમાં, આઈસ્ક્રીમની નજીક લાઈટર પણ મૂકવામાં આવ્યું હતું, તેને તડકામાં રાખવામાં આવ્યું હતું, પરંતુ તે ઓગળ્યો ન હતો અને તેનો આકાર પણ ખાસ કંઇ બદલાયો ન હતો. આઈસ્ક્રીમને 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 1 કલાક માટે રૂમમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે પછી પણ તેનો આકાર બદલાયો ન હતો.
ઉત્તર ચીનના હેન્ડાનમાં રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં આઈસ્ક્રીમ આગમાં સળગતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફૂડ સેફ્ટી પર સવાલો ઉઠી રહ્યા છે. ‘ચીસક્રીમ’ના ભાવ પણ આસમાને છે. સામાન્ય રીતે તમે 100 રૂપિયામાં આઇસક્રીમ પોપ્સિકલ મેળવી શકો છો પરંતુ આ આઈસ્ક્રીમના એક ટુકડાની કિંમત લગભગ 800 રૂપિયા છે.

સોશિયલ મીડિયા પર ઉભા થયેલા વિવાદ બાદ કંપનીએ સ્પષ્ટતા કરી કે તેમની પ્રોડક્ટ નેશનલ ફૂડ સેફ્ટી રેગ્યુલેશન અનુસાર બનાવવામાં આવી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું કે તેઓએ આઈસ્ક્રીમમાં કેરેજેનન ગમ ઉમેર્યું છે જે એક પ્રકારનો દરિયાઈ છોડ છે. આ ગમ આઈસ્ક્રીમને તેનો આકાર ગુમાવવા દેતો નથી.
હવે તમને લાગશે કે આ પહેલીવાર છે જ્યારે પીગળતા ન હોય તેવા આઈસ્ક્રીમની શોધ થઈ છે. પરંતુ એવું નથી કે 2016 થી અત્યાર સુધીમાં ઘણા દેશોમાં આવા આઈસ્ક્રીમની શોધ થઈ છે. વર્ષ 2016માં ગેસ્ટ્રોનટ ફૂડ નામની કંપનીએ પણ એવો આઈસ્ક્રીમ બનાવ્યો જે પીગળ્યો નહીં. તે જ સમયે, ચીન પહેલા જાપાને પણ વર્ષ 2018માં જ આવી આઈસ્ક્રીમ બનાવી હતી.
જાપાનના વૈજ્ઞાનિકોએ બાયોથેરાપી ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરને આવો આઈસ્ક્રીમ બનાવવા કહ્યું હતું. આમાં, સ્ટ્રોબેરીનો પ્રવાહી અર્ક, પોલિફીનોલ ઉમેરવામાં આવ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં એક આઈસ્ક્રીમ સેન્ડવીચ પણ બનાવવામાં આવી હતી જેને કલાકો સુધી રાખવામાં આવી હતી પરંતુ તે પીગળી ન હતી.