ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ બાદ હવે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જવાની છે. ઇંગ્લેન્ડમાં T20 બાદ વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરનારી ટીમ ઇન્ડિયાનો જુસ્સો સાતમાં આસમાને છે, ત્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ભારે તૈયારી કરી રહી છે. આ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ભારત વિરુદ્ધ વન-ડે સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત વિરુદ્ધની વન-ડે સીરીઝ માટે ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ટીમમાં પરત ફર્યો છે.
ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર T20I અને વન-ડેમાં હરાવી ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જવાની છે. ઈંગ્લેન્ડમાં રમી રહેલા ઘણા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કેપ્ટનશિપની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 22 જુલાઈએ રમાશે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝે જાહેર કરેલી ટીમમાં ખાસ વાત એ છે કે ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની ટીમમાં વાપસી થઈ છે. ટીમમાં નિકોલસ પૂરન કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
જેસન હોલ્ડરને બાંગ્લાદેશ સામે તાજેતરમાં પૂર્ણ થયેલી હોમ સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો, જ્યાં વિન્ડીઝને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે તે પરત ફર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જેસન હોલ્ડર વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે અને અમે તેને ટીમમાં પરત કરીને ખૂબ જ ખુશ છીએ. હોલ્ડર ફરીથી ઉત્સાહિત અને તૈયાર હશે. તેમણે કહ્યું કે, ગુયાનામાં બાંગ્લાદેશ સામે અમારી ત્રણ પડકારજનક મેચ હતી, તેથી જ્યારે અમે ત્રિનિદાદમાં ભારતનો સામનો કરીશું ત્યારે અમે વાપસી કરવા ઈચ્છીશું.
ભારત સામેની ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:
નિકોલસ પૂરન (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ-કેપ્ટન), શામરા બ્રુક્સ, કેસી કાર્ટી, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, કીમો પોલ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ.