કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય એવી વ્યક્તિઓને જેલમાંથી મુક્ત કરાવવા કોર્ટ કચેરીના ચક્કર કાપતાં સ્વજનો જોયા હશે, પરંતુ એક નવજાત બાળકી જેલની કોટડીમાં હોય અને તેને મુક્ત કરાવવા કોર્ટના આંટાફેરા કરતાં માતા-પિતા ભાગ્યે જ કોઇએ જોયા હશે. આવા જ એક કમભાગી માતા-પિતા હાલ ગુજરાત હાઇકોર્ટમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક નવજાત જન્મેલી બાળકીને કાયદાની આંટીઘુંટીના કારણે જેલવાસ ભોગવવાનો વારો આવે તેવી કરુણ સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ આ બાળકીના જૈવિક પિતાને માસૂમ બાળકીની કસ્ટડી માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી છે. જે મામલે હાઇકોર્ટે અર્જન્ટ નોટિસ ઇસ્યૂ કરી છે. સાથે હાઈકોર્ટે બાળકીની કસ્ટડી સોંપવા બાબતે એફિડેવિટ કરી વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના કઇક એવી છે કે રાજસ્થાનના અજમેરનું રહેવાસી દંપતિ સરોગસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ ઇચ્છતું હતું. જેથી તેઓ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી ડોકટરના માર્ગદર્શન હેઠળ આ દંપતીએ સરોગસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પછી મહિલા સગર્ભા પણ બની હતી. જો કે વિધિની વક્રતાએ આ યુગલને સંતાન સુખથી વધું સમય વંચિત રાખવાનો ખેલ રચ્યો હતો. સગર્ભાવસ્થા દરમિયાન એ મહિલા સામે ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકનું અપહરણ કરવાનાં આરોપ સાથે ફરિયાદ થઇ હતી. આ ગુના અંતર્ગત પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી.

ધરપકડ કરાયેલી મહિલાને તેના જેલવાસ દરમિયાન જ પ્રસુતિની પીડા ઉપડી હતી. બે દિવસ પહેલા જ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ થયા બાદ તેની કસ્ટડી તેના પિતાને સોંપી દેવામાં આવી હતી, જો કે પોલીસે કેટલાક કાયદા હેઠળ બાળકીની કસ્ટડી પરત લઇ લીધી હતી અને બાળકીને સરોગેટ મધરને પરત સોંપી હતી. અરજદારના પરિવારજનો દ્વારા પોલીસ પ્રશાસનને બાળકીને પરત આપવા માટે રજુઆત કરી પરંતુ કાયદાની મર્યાદા હોવાથી તે ન સોંપી શકાઈ. જેથી પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં બાળકીની કસ્ટડી મેળવવા માટે અરજી દાખલ કરી છે.
બાળકીની બાયોલોજીકલ માતા તેની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ તેમ કરવાથી રોકી રહી હોવાની અરજદારે રજુઆત કરી હતી. અરજદારના વકીલ પૂનમ મનન મહેતા દ્વારા એ પણ રજૂઆત કરાઇ કે, સરોગસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તરત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત પણ મૂકી હતી. જેથી બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવામાં આવે તો સારુ. કારણ કે નવજાત બાળકીને તેની માતાએ કરેલા ગુનાની સજામાં જેલવાસ ન મળવો જોઇએ.
મહત્વનું છે કે સરોગેટ મહિલા બાળકને અરજદારને આપવા તૈયાર છે. જો કે પોલીસ દ્વારા બાળકીની કસ્ટડી હજુ સરોગેટ મધર પાસે આપવામાં આવેલી છે. જો કે હવે સરોગેટ મધરને ડિસ્ચાર્જ કરાશે તો તેને ફરીથી જેલમાં જવું પડશે. તેની સાથે નવજાત બાળકીને પણ જેલમાં જ જવુ પડે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સેન્ટ્રલ જેલ પ્રશાસનને અર્જન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. આ સાથે માતા તેની દીકરીની કસ્ટડી સોંપવા માટે તૈયાર છે તે અંગેનું સોગંદનામું રજૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.