વિવિધ સોશિયસ મી઼ડિયા પ્લેટફોર્મ વચ્ચે યુઝર્સને આકર્ષવા ભારે સ્પર્ધા ચાલી રહી છે. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા, આગળ રહેવા માટે દરેક એપ કહો કે પ્લેટફોર્મ દ્વારા વિશેષ એફર્ટ કરવામાં આવી રહ્યા છે. યૂઝર્સ આકર્ષાય એ માટે નવા નવા ફિચર્સનો ઉમેરો પણ કરાઇ રહ્યો છે. Whatsapp તેના યુઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ લોન્ચ કરે છે. હવે વોટ્સએપે એક નવા ફીચરનું પરીક્ષણ કર્યું છે જેમાં યુઝર્સ કોઈ પણ જાણકારી વગર ચૂપચાપ ગ્રુપ છોડી શકે છે. અત્યારે જો કોઈ યુઝર વોટ્સએપમાં ગ્રુપમાંથી બહાર નીકળે છે તો ગ્રુપના અન્ય સભ્યોને તેની માહિતી મળે છે. પરંતુ હવે નવું ફીચર આવ્યા બાદ આવું નહીં થાય.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની નવી સિસ્ટમ સાથે, લોકોને કોઈપણ સંકોચ વિના ગ્રૂપ છોડવાની તક મળશે. આ હવે ઘણા લોકો માટે સારી સુવિધા સાબિત થઈ શકે છે. વોટ્સએપ સતત નવા ફીચર્સ લોન્ચ કરે છે અને સાથે સાથે ઘણા નવા ઈમોજી પણ લાવે છે, જેના કારણે યુઝર્સમાં તેનું આકર્ષણ રહે છે. Whatsapp બીટા ટ્રેકર WABetainfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ અનુસાર, હવે જ્યારે પણ કોઈ યૂઝર વૉટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળશે તો કોઈને પણ આની જાણ નહીં થાય, તે માત્ર તે યૂઝર અને ગ્રૂપ એડમિનને જાણ કરશે. આ બધાનો અર્થ એ છે કે જૂથના અન્ય સભ્યો એ જોઈ શકશે નહીં કે તેમાંથી એકે જૂથ છોડી દીધું છે.
આપણે બધા જાણીએ છીએ કે હાલમાં જ્યારે કોઈ યુઝર કોઈ ગ્રુપમાંથી બહાર નીકળે છે, ત્યારે WhatsApp એક ઓટો જનરેટેડ નોટિફિકેશન બતાવતું હતું. આ સૂચના તે ગ્રુપના તમામ સભ્યો તેમજ એડમિનને જોઈ શકાતી હતી. વોટ્સએપે તાજેતરમાં તેની કોમ્યુનિટી ફીચરને જાહેર કરતી વખતે ચુપચાપ ગ્રૂપમાંથી બહાર નીકળવાની ક્ષમતાની જાહેરાત કરી હતી. જોકે, આ ફીચર યુઝર્સ માટે ક્યારે આવશે તેની ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. WABetaInfo ના અહેવાલ મુજબ, તેણે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તે તાજેતરમાં Whatsapp ડેસ્કટોપ બીટા પરથી લેવામાં આવ્યો છે. WhatsAppનો આ ફેરફાર એન્ડ્રોઇડ અને iOS વર્ઝન માટે પણ ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.