રાજ્યમાં હાલ છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનુભવાઇ રહેલા બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વરસાદ પડે તો ગરમીથી છૂટકારો મળે એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં ઝબકી રહ્યો છે. આવામાં હવામાન વિભાગે લોકોને એક રાહતના સમાચાર આપ્યા છે. 8 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, 8મી જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. મહત્વની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે..
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં સારા ચોમાસાની એંધાણ મળ્યા છે. હવામાન વિભાગે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદની આગાહી કરી છે. વિભાગે એક મહિના પહેલા દેશમાં 99 ટકા વરસાદની આગાહી કરી હતી. પરંતુ બાદમાં 103 ટકા વરસાદની આગાહી કરી હતી.