પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય એજન્સીઓની તપાસમાં ભ્રષ્ટાચારને લગતાં મોટા મામલાનો પર્દાપાશ થયો છે. અહીં પૂર્વ મંત્રીની નજીક ગણાતી અર્પિતા મુખર્જી નામની મોડલ અને અભિનેત્રીના ઘરેથી 20 કરોડની રોકડ મળી આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે મમતા બેનર્જીની સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પૈસા એજ્યુકેશન રિક્રુટમેન્ટ સ્કેમ (SSC) કૌભાંડ સાથે સંબંધિત છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી સાથે જ ચારેકોર એક પ્રશ્ન ચર્ચાવા માંડ્યો કે કોણ છે અર્પિતા મુખર્જી..!? અર્પિતા મુખર્જીને બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ મુખર્જીની નજીક માનવામાં આવે છે. તે અભિનેત્રી અને મોડલ પણ છે. અર્પિતાએ ઓડિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઘણી તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે. રિપોર્ટ્સ અનુસાર, અર્પિતા ઘણી વખત પાર્થ મુખર્જી સાથે રાજકીય કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. આ સિવાય તે પાર્થ મુખર્જી સાથે પ્રચાર કરતી જોવા મળી હતી.

અર્પિતા છેલ્લા ઘણા સમયથી દક્ષિણ કોલકાતામાં એક આલીશાન ફ્લેટમાં રહે છે. હાલમાં EDના દરોડામાં તેના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. મુખર્જીના ઘરે EDના દરોડા દરમિયાન 500 અને 2000 રૂપિયાની નોટોનો ઢગલો કરવામાં આવ્યો હતો. એટલી બધી નોટો હતી કે તેને ગણવા માટે મશીન મેળવવું પડ્યું. આ દરોડામાં નોટોના ઢગલા ઉપરાંત 20થી વધુ મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. ED આ ફોનનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તેની તપાસ કરી રહી છે.