ગોધરાકાંડના પગલે થયેલા 2002ના રમખાણો, તોફાનોને રાજકીય રીતે વિવાદ ચગાવનારા, કાનૂની ગૂંચ ઉભી કરનારા સામે સુપ્રિમ કોર્ટે આપેલા તપાસનાં આદેશને પગલે ગુજરાતને બદનામ કરનારી ત્રિપુટી સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે, જ્યારે તેમની સાથે આર.બી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરવામાં આવશે. ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં બે પૂર્વ આઇપીએસ અધિકારીઓની ભૂમિકા ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી.
ગોધરાકાંડ બાદના તોફાનોની અરજીનો નિકાલ કરતાં સુપ્રિમે તત્કાલીન મુખ્યમંત્રી મોદીને ક્લીન ચીટ આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 24 જૂન 2022ના રોજ જાકીયા જાફરી વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં આપવામાં આવેલા ચૂકાદામાં કરવામાં આવેલા અવલોકનોને આધારે ગુજરાત પોલીસ સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડ સામે 25 જૂનના રોજ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દ્વારા ફરિયાદ નોંધી છે. તોફાનોને રાજકીય રીતે વિવાદ ચગાવનારા, કાનૂની ગૂંચ ઉભી કરનારા સામે તપાસનો આદેશ થતાં ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડને મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ મુખ્ય કાર્યાલય લવાઈ રહ્યા છે. તિસ્તા સેતલવાડની સાથે આઈપીએસ ઓફિસર આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ ગાળિયો કસાયો છે. જાકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી નં.-1 સંજીવ ભટ્ટ બીજા નંબરના આરોપી આર બી શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડને ત્રીજા નંબરના આરોપી બનાવવામાં આવ્યાં છે.

ફરિયાદ અનુસાર સંજીવ ભટ્ટ, તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરીની અરજી ઉપરાંત વિવિધ અદાલતોમાં કરવામાં આવેલાં કેસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી તેને સાચા દર્શાવીને અલગ-અલગ તપાસ પંચમાં રજૂ કરવામાં આવ્યાં. આ તપાસ પંચમાં રજૂઆત દરમિયાન આ ખોટા દસ્તાવેજી પુરાવાઓથી નિર્દોષ વ્યક્તિઓ સામે મોતની સજા મળે તેવી કાયદાકીય જોગાવાઈઓની કલમો પ્રમાણે કાર્યવાહી થાય અને ગોધરાકાંડ બાદ રાજ્યમાં થયેલા રમખાણોનો સમગ્ર વિવાદ સતત સળગતો રહે તેવા બદઈરાદા સાથે ષડ્યંત્ર રચવાનો ગુનો ભટ્ટ, શ્રીકુમાર અને સેતલવાડ સામે નોંધવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલમાં પાલનપુર જેલમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં ગુનો સાબિત થવાથી સજા કાપી રહ્યા છે.

ફરિયાદમાં દર્શાવ્યા મુજબ તત્કાલિન ડીઆઈજી સંજીવ ભટ્ટે નાણાવટી-મહેતા કમિશનને 30 ડિસેમ્બર 2011ના રોજ વર્ષ 2002 અને 28 ફેબ્રુઆરી 2002ના રોજ મોકલવામાં આવેલા ફેક્સ મેસેજની નકલ મોકલી આપી હતી, જેમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે એ નકલ અન્ય સત્તામંડળોને પણ તેમની સહી સાથે મોકલી હતી. જોકે, આ સંજીવ ભટ્ટે મોકલેલા ફેક્સ મેસેજની નકલની તપાસ કરતાં એસઆઈટીએ તે બનાવટી હોવાનું અને અન્ય કોઈ ખોટા હેતુસર ઉપજાવી કાઢેલી હોવાનું તારણ રજૂ કર્યું હતું.
બનાવટી દસ્તાવેજી ઉપજાવી કાઢવા પાછળ સંજીવ ભટ્ટનો હેતુ ગંભીર ગુના માટેની કાયદાની કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ફસાવી દેવાનો હતો.
સંજીવ ભટ્ટે એસઆઈટી સમક્ષ એવો ખોટો દાવો કર્યો હતો કે તે 27 ફેબ્રુઆરી 2002ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે યોજાયેલી એક મીટિંગમાં ઉપસ્થિત હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ કામ કરી રહેલી એસઆઈટીની તપાસમાં એ સાબિત થયું હતું કે ભટ્ટ એ કથિત મીટિંગમાં ઉપસ્થિત નહોતા. અને તેમણે એ મીટિંગના નવ વર્ષ બાદ આવો દાવો વિવિધ વ્યક્તિઓને ગંભીર ગુનાની કલમો હેઠળ ફસાવી દેવા માટે કર્યો હતો. આ માટે તેમણે ઘણા બનાવટી દસ્તાવેજોને ખોટી રીતે ઉપજાવી કાઢ્યા હતા. ગુજરાત સરકારને આ મામલાની તપાસમાં જાણવા મળ્યુ હતું કે, સંજીવ ભટ્ટ સહિત કેટલીક વ્યક્તિઓ , વિવિધ એનજીઓ, કેટલાક રાજકીય નેતાઓ અને સંસ્થાઓ સુપ્રીમ કોર્ટની એસઆઈટી જેવી સંસ્થાઓનો ઉપયોગ ગુનાહીત ષડ્યંત્ર રચીને પોતાનો અંગત સ્વાર્થ અને હીતો માટે કરી રહી હતી.
*આ કેસમાં બીજા નંબરના આરોપી આર બી શ્રીકુમારની શું હતી ભૂમિકા?
આર બી શ્રીકુમાર રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે. તેમને રિયાયર્ડમેન્ટ બાદ ગુજરાત સરકારના પોલીસ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ – ડીજીપી) તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. જાકીયા જાફરીની ફરિયાદમાં કરવામાં આવેલા મોટાભાગના આક્ષેપો આર બી શ્રીકુમાર દ્વારા નાણાવટી શાહ પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાંથી લેવામાં આવી હતી. શ્રીકુમાર રમખાણો સમયે અધિક પોલીસ મહાનિર્દેશક (આર્મ્ડ યુનિટ) તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે તપાસ પંચ સમક્ષ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમને મળેલી કોઈપણ માહિતી વ્યક્તિગત રીતે મળેલી માહિતી નહીં, પરંતુ તેમના એ હોદ્દા પર હોવાને કારણે મળી હતી.
એસઆઈટી દ્વારા નોંધવામાં આવેલા નિવેદનોમાં એ બાબત પણ જાણવા મળી હતી કે ફરિયાદને લગતાં તમામ તથ્યોની માહિતી તેમને 9 એપ્રિલ 2002ના રોજ અધિક પોલિસ મહાનિર્દેશક (ઇન્ટેલિજન્સ)નો પદભાર સંભાળ્યા બાદ મળી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીકુમારે તેમણે રજૂ કરેલી પ્રથમ બે એફિડેવિટમાં સરકાર વિરુદ્ધ કોઈપણ આક્ષેપો કર્યા ન હતા, પરંતુ 9 એપ્રિલ 2005 બાદ રજૂ કરેલી ત્રીજ એફિડેવિટથી જ સરકાર સામે આક્ષેપ કરવાની શરૂઆત કરી હતી. શ્રીકુમારના આક્ષેપો સંદર્ભે તપાસ કર્યા બાદ એસઆઈટી એ તારણ પર પહોંચી હતી કે તેમણે પોતાના ઉપરી અધિકારીઓની જાણબહાર મૌખિક સૂચનાઓની નોંધ કરવાનાં રજિસ્ટરમાં ગોળ ખાનગી સિક્કો લગાવ્યો હતો.