ગાંધીનગરના કોલવડા ગામે એક શખ્સનું ગળું કાપી, માથું છૂંદી હત્યા કરાતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાએ જટેલી ચકચાર મચાવી એનાથી વધું સનસની હત્યા પાછળના કહેવાતાં કારણથી ફેલાઇ હતી. ઘનશ્યામ પટેલની હત્યા તેની પત્ની અને પૂત્રીએ કરી હતી. પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે, ગઈકાલે પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી. જેનો ઈન્કાર કરતાં પતિએ દીકરી પર દાનત બગાડી તેને પકડી લીધી હતી. જેનાં કારણે હત્યાને અંજામ આપ્યો હતો.
કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ઘનશ્યામ પટેલ શરૂઆતથી પુષ્કળ દારૂ પીવાની ટેવ વાળો તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો. આ દરમિયાન રસાઇને રિશીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેની હાલમાં 15 વર્ષની ઉંમર છે. અને ધોરણ-9માં અભ્યાસ કરે છે. રોજબરોજનાં ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા અકળાઇ અને દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડા તેની માતાને ત્યાં રહેવા માંડી હતી.

દોઢ વર્ષ પિયર રહ્યા બાદ રિશીતા દીકરીને લઈને અઠવાડિયાથી કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી, પરંતુ ઘનશ્યામનાં સ્વભાવમાં કોઈ ફરક આવ્યો ન હતો. રિશીતાનાં કહેવા મુજબ ઘનશ્યામ શંકાશીલ સ્વભાવ હોવાથી ચારિત્ર્ય પર શંકા કુશંકા કરતો હતો. દારૂના નશામાં મા-દીકરી સાથે વારેવારે મારઝૂડ કર્યા કરતો હતો. જોકે, ઘનશ્યામએ થોડા સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. છતાં દારૂની કુટેવની અસર એવી હાવી થઈ ગઈ હતી કે ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો હતો અને સ્વભાવ એગ્રેસિવ થઈ ગયો હતો.

બુધવારે રાત્રે પણ ઘનશ્યામ આખી રાત જાગ્યો હતો. સવાર પડતાં જ ઘનશ્યામ મા-દીકરીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેનાં કારણે કંકાસ થયો હતો. થોડી વાર પછી અચાનક જ ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે રિશીતાએ દીકરી ઘરમાં હોવાથી સંભોગનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં રીશીતા બહાર વાસણ ઘસવા બેઠી હતી અને ઘરમાં ઘનશ્યામ અને તેની 15 વર્ષની દીકરી એકલા જ હતા. આ દરમિયાન કામ વાસનામાં અંધ બનેલા ઘનશ્યામે સગી દીકરી સાથે શારીરિક અડપલાં શરૂ કરી તેને પકડી લીધી હતી. જેથી દીકરી એ બુમાબુમ કરતાં રિશીતા ઘરમાં દોડી આવી હતી. એ સમયે ઘનશ્યામે દીકરીને પકડી જ રાખી હતી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે સગા બાપની કરતૂતથી હચમચી ઉઠેલી 15 વર્ષની દીકરીએ પેપર કટરનો આગળનો અણીદાર ભાગ ઘનશ્યામનાં ગળામાં મારી દીધો હતો અને રીશીતાએ લોખંડનો દસ્તો (પરાળ) માથામાં માર્યો હતો.

ગળા અને માથાના ભાગે ઉંડા ઘા વાગતા દીકરીના કપડાં ઉપર લોહીના ફુવારા ઉડયા હતા. ઘનશ્યામ રૂમમાં પડેલી શેટી ઉપર ફસડાઇ પડ્યો અને તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો. હત્યાને અંજામ આપ્યા પછી બંને મા-દીકરી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા. બાદમાં સગાને ફોન કરીને જાણ કરતાં આખી ઘટના બહાર આવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ રાણાએ જણાવ્યું હતું કે, હાલ રિશીતા એ જે થિયરી જણાવી એની ઉપર તપાસ ચાલી રહી છે. પરંતુ રિશીતા છેલ્લા દોઢ વર્ષથી રિસાઈને રહેતી હોવાથી તેની સાથે કોણ કોણ સંપર્કમાં હતું તેની માહિતી મેળવવા તેણીના ફોનના CDR પણ મંગાવ્યા છે. કટરનાં આગળના અણીદાર ભાગ વાગવાથી ઘનશ્યામનાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી પુષ્કળ લોહી વહી ગયું હતું. હાલમાં વધુ તપાસ તપાસ ચાલી રહી છે. આ પ્રકરણમાં બીજા કોઈની સંડોવણી, અને કારણ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રિશીતાનાં ઘનશ્યામ સાથે પ્રેમ લગ્ન હતા. જે તેના ગોલી નામના પતિ સાથે કોલવડા રહેવા આવેલી. જેનાં પતિનું અવસાન થયા પછી ઘનશ્યામ સાથે આંખો મળી ગઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. રિશીતાનાં પરિવારમાં માતા અને ત્રણ બહેન અને એક ભાઈ છે. જેનો ભાઈ નાઈજીરીયા રહે છે.