હાલની નોટો પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. આરબીઆઈએ કહ્યું કે હાલની ચલણી નોટોની તસવીર બદલવાનો આવો કોઈ પ્રસ્તાવ નથી. ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક અગ્રણી મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે આરબીઆઇ નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીરો ઉમેરવા પર પણ વિચાર કરી રહી છે.
એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં ભારતીય રૂપિયાની નોટમાં હવે માત્ર મહાત્મા ગાંધીની તસવીર રહેશે નહીં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટોમાં રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીરો ઉમેરવા પર પણ વિચાર કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે RBI અને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) એ IIT-દિલ્હીના દિલીપ શાહાનીને ગાંધી, ટાગોર અને કલામની વોટરમાર્કવાળી નોટોના બે અલગ-અલગ સેટ મોકલ્યા છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહનીને આ સેટમાંથી પસંદ કરવા અને સરકારના વિચારણા માટે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારપછી, આમાંથી એક અથવા બધી નવી ઇમેજની નોટ પસંદ કરવાનો નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવશે. આટલું જ નહીં, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંક નોટ્સમાં સુરક્ષા ફીચર્સ ઉમેરવા પર આરબીઆઈની આંતરિક સમિતિએ 2020માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ અહેવાલમાં ગાંધીની સાથે ટાગોર અને કલામનો પણ ચલણી નોટોમાં સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે, આવા તમામ મીડિયા અહેવાલોને નકારી કાઢતા, ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે નોટોની તસવીર બદલવાનો આવો કોઈ પ્રસ્તાવ નથી.